IPLમાં પિયુષ ચાવલાએ ખાધાં સૌથી વધુ છગ્ગા, જાડેજા પણ પાછળ નથી !
ચાવલા ઉપરાંત રવિન્દ્ર, ચહલ, અશ્વિન, અમિત મિશ્રાની પણ થયેલી છે બેફામ ધોલાઈ
આઈપીએલમાં વિકેટ લેનારા બોલરોની વાતો તો બધા જ કરે છે પરંતુ બોલરોની ધોલાઈ પણ આ ટૂર્નામેન્ટમાં ખૂબ જ થઈ રહી છે. ટી-૨૦ને બેટરોનું ફોર્મેટ ગણવામાં આવે છે. નિયમથી લઈ પીચ સુધીનું કશું જ બોલરોના પક્ષમાં હોતું નથી. ટી-૨૦ મુકાબલામાં છગ્ગા-ચોગ્ગા ન લાગ્યા હોય તેવું ભાગ્યે જ જોવા મળતું હશે. આઈપીએલમાં પણ આવું જ થઈ રહ્યું છે. અહીં બોલરો વિકેટ તો મેળવે છે સામે તેની ધોલાઈ પણ બેફામ થાય છે. આઈપીએલના આવા પાંચ બોલરો છે જેમની બોલિંગમાં સૌથી વધુ છગ્ગા લાગ્યા છે.
પીયુષ ચાવલા-૨૦૧ છગ્ગા
લેગ સ્પીનર પીયુષ ચાવલા આઈપીએલમાં સૌથી વધુ છગ્ગા ખાનારો બોલર છે. પાછલી સીઝનમાં તેણે મુંબઈ ઈન્ડિયન્સ માટે કમાલની બોલિંગ કરી હતી. ચાવલા અન્ય ટીમનો પણ હિસ્સો રહી ચૂક્યો છે. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે ત્રીજા નંબરે છે. ચાવલાએ આઈપીએલમાં અત્યાર સુધી ૩૬૪૦ દડા ફેંક્યા છે.
રવિન્દ્ર જાડેજા-૧૯૩ છગ્ગા
રાજસ્થાન રોયલ્સ વતી ડેબ્યુ કરનારા રવિન્દ્ર જાડેજાનું આઈપીએલ કરિયર શાનદાર રહ્યું છે. તેણે દડાની સાથે સાથે બેટથી પણ કમાલ કરી છે પરંતુ તેણે રન પણ ખૂબ જ આપ્યા છે. ૫૯૧ ઓવરની બોલિંગમાં રવિન્દ્ર જાડેજાને બેટરોએ ૧૯૩ છગ્ગા ફટકાર્યા છે.
યુઝવેન્દ્ર ચહલ-૧૯૩ છગ્ગા
યુઝવેન્દ્ર ચહલ આઈપીએલ ઈતિહાસનો સૌથી સફળ બોલર છે. ૧૪૫ મેચમાં તેણે ૧૮૭ બેટરોને આઉટ કર્યા છે. કરિયરના મહત્તમ મેચ બેંગ્લોરની પાટા વિકેટ પર રમ્યા બાદ પણ ચહલે કમાલની બોલિંગ કરી છે. જો કે તેને છગ્ગા પણ ખૂબ જ લાગ્યા છે. ૫૨૮.૫ ઓવરની બોલિંગમાં ચહલ ૧૯૩ છગ્ગા ખાઈ ચૂક્યો છે.
રવિચંદ્રન અશ્વિન-૧૮૪ છગ્ગા
ટેસ્ટમાં દુનિયાના સૌથી સફળ સ્પીન બોલરોમાં સામેલ આર.અશ્વિનનું નામ પણ આ લિસ્ટમાં સમાવિષ્ટ છે. ૧૭૧ વિકેટ લઈ ચૂકેલા અશ્વિને ચેન્ના સુપરકિંગ્સ સાથે કરિયરની શરૂઆત કરી હતી. અત્યારે તે રાજસ્થાન રોયલ્સનો હિસ્સો છે. આઈપીએલ ઈતિહાસમાં અશ્વિને અત્યાર સુધી ૬૯૯ ઓવર ફેંકી છે જેમાં ૧૮૪ છગ્ગા ખાધાં છે.
અમિત મિશ્રા-૧૮૨ છગ્ગા
લેગ સ્પિનર અમિત મિશ્રા આઈપીએલમાં સૌથી વધુ હેટ્રિક લેનારો બોલર છે. એક સમયે તે વિકેટ લેવા મામલે ભારતીય બોલરોમાં ટોચ પર હતો. ૧૬૧ મેચમાં મિશ્રા ૧૭૩ બેટરોને આઉટ કરી ચૂક્યો છે. પાછલી થોડી સીઝનમાં તેને ઘણી ઓછી મેચ રમવાની તક મળી છે.