ટીમ ઈન્ડિયાએ મેચ અને શ્રેણી બન્ને જીત્યા
ભારતીય મહિલા ટીમે ૫૦ ઓવરમાં ઝૂડી નાખ્યા ૩૭૦ રન: ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો સૌથી મોટો સ્કોર બન્યો
આયર્લેન્ડ ટીમ ૨૫૪ રન જ બનાવી શકી પેટા: જેમિમા રોડ્રિગ્સની સદી, સ્મૃતિએ ૭૩, પ્રતીકાએ ૬૭, હરલીને ૮૯ રન ઝૂડ્યા
રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ પર ભારત-આયર્લેન્ડ મહિલા ટીમ વચ્ચે રમાયેલી બીજી વન-ડે મેચમાં આયર્લેન્ડ ટીમની
બેરહેમી’થી ધોલાઈ કરી ટીમ ઈન્ડિયાએ ૧૧૬ રને શાનદાર જીત મેળવી હતી. આ સાથે જ ત્રણ મેચની શ્રેણી ભારતે ૨-૦થી પોતાના નામે કરી લેતાં હવે બુધવારે બન્ને ટીમ વચ્ચે માત્ર ઔપચારિક મુકાબલો જ રમાશે. આ મેચમાં ભારતીય ટીમે ૫૦ ઓવરમાં ૩૭૦ રન બનાવ્યા હતા જે અત્યાર સુધીનો ભારતીય ટીમનો વન-ડેમાં સૌથી સર્વોચ્ચ સ્કોર છે. આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી રાજકોટ બનવા પામ્યું હતું.
બીજી વન-ડેમાં ભારતીય ટીમે ટોસ જીતી પહેલાં બેટિંગ કરતાં ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૭૦ રન બનાવ્યા હતા. ભારત વતી ઓપનિંગ બેટર સ્મૃતિ મંધાના (૭૩ રન) અને પ્રતીકા રાવલ (૬૭ રન) વચ્ચે ૧૫૬ રનની ભાગીદારી થઈ હતી. સ્મૃતિના આઉટ થયાના બીજા જ બોલે પ્રતીકા રાવલ પણ આઉટ થઈ હતી. આ પછી હરલીન દેઓલ (૮૯ રન) અને જેમીમા રોડ્રિગ્સ (૧૦૨ રન)એ સ્કોરને ૩૩૯ રન સુધી પહોંચાડ્યો હતો. આ વેળાએ હરલીન આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલી રિચા ઘોષ અને જેમીમા વચ્ચે ૨૧ રનની ભાગીદારી થયા બાદ રિચા ભારતના ૩૫૮ રનના સ્કોરે આઉય થઈ હતી. ત્યારબાદ ૩૬૮ રનના સ્કોરે જેમીમા પણ આઉટ થઈ હતી. જેમીમાએ ૯૧ બોલમાં ૧૨ ચોગ્ગાની મદદથી ૧૦૨ રન બનાવ્યા હતા તો સ્મૃતિએ ૫૪ બોલમાં ૭૩ અને પ્રતીકાએ ૬૧ બોલમાં ૬૭ રન બનાવ્યા હતા.
ભારતે આપેલા ૩૭૧ રનના લક્ષ્યાંક સામે આયર્લેન્ડ ૫૦ ઓવરમાં સાત વિકેટે ૨૫૪ રન જ બનાવી શક્યું હતું. તેના વતી કાઉલ્ટર રીલ્લીએ સૌથી વધુ ૮૦ રન બનાવ્યા હતા. આ સિવાય એક પણ બેટર ૪૦+નો સ્કોર બનાવી શકી ન્હોતી. ભારત વતી બોલિંગમાં દીપ્તી શર્માએ ત્રણ, ટીટાસ-સયાલીએ એક-એક તો પ્રિયા મિશ્રાએ બે વિકેટ ખેડવી હતી.
રાજકોટમાં હાઈએસ્ટ સ્કોરનો રેકોર્ડ તૂટ્યો
રાજકોટના સ્ટેડિયમ પર અત્યાર સુધી હાઈએસ્ટ સ્કોરનો રેકોર્ડ ઑસ્ટે્રલિયાની પુરુષ ટીમના નામે હતો. ઑસ્ટે્રલિયાએ ભારત સામેની વન-ડે મેચમાં ૩૫૨ રન બનાવ્યા હતા જે રાજકોટનો અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર હતો. જો કે ભારતીય મહિલા ટીમે આ રેકોર્ડ તોડી નાખી રવિવારે આયર્લેન્ડ સામે ૩૭૦ રન ઝૂડ્યા હતા.
સ્મૃતિ-પ્રતીકા વચ્ચે બીજી સૌથી મોટી ભાગીદારી
આ મેચમાં ઓપનિંગ બેટર સ્મૃતિ મંધાના અને પ્રતીકા રાવલે ૧૯ ઓવરમાં ૧૫૬ રન બનાવ્યા હતા જે વિશ્વની બીજી ૧૫૦+ રનની ભાગીદારી હતી. સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ ન્યુઝીલેન્ડની સૂઝી બેટસ-જેસ વેટકિનના નામે છે જેમણે આયર્લેન્ડ સામે ૧૭૨ રનની ભાગીદારી નોંધાવી હતી.
૯૦ બોલમાં સદી પૂર્ણ કરનારી જેમિમા ત્રીજી ભારતીય
ભારત વતી જેમિમા રોડ્રિગ્સે ૯૦ બોલમાં સદી પૂર્ણ કરી હતી. આ સાથે જ તે સૌથી ઝડપી સદી બનાવનારી ત્રીજી ભારતીય બેટર બની હતી. તેના પહેલાં નોંધાયેલી બે સદી હરમનપ્રીત કૌરે નોંધાવી હતી. હરમનપ્રીતે એક સદી ૮૭ બોલમાં તો બીજી સદી ૯૦ બોલમાં બનાવી હતી.