લંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડનું ફોર્મ જોતાં ભારત સામે જીતવું ત્રણેય માટે કપરું બની શકે; જો કે ઉલટફેર ન થાય તે જોવું જરૂરી બની જશે: આફ્રિકા-ઈંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ બનશે મોટો પડકાર
વર્લ્ડકપ-૨૦૨૩ની યજમાન ભારતીય ટીમનું પ્રદર્શન અત્યાર સુધી ગજબ રહ્યું છે. ટીમે અત્યાર સુધીના રમેલા ત્રણેય મુકાબલામાં જીત હાંસલ કરી છે. એકંદરે હવે ભારતીય ટીમનો સેમિફાઈનલમાં પહોંચવાનો માર્ગ બહુ કપરો રહ્યો નથી. આ વખતે ટૂર્નામેન્ટ રાઉન્ડ-રૉબિન ફોર્મેટમાં રમાઈ રહી છે. લીગ મુકાબલા બાદ પોઈન્ટ ટેબલમાં ટોપ-૪ રહેનારી ટીમ સીધી સેમિફાઈનલમાં પ્રવેશ કરી જશે. ભારતીય ટીમે જીતની હેટ્રિક લગાવી દીધી છે અને સેમિફાઈનલમાં પહોંચવા માટે તેણે વધુ ચાર જીતની જરૂર છે. હજુ ટીમે છ મુકાબલા રમવાના છે જેમાંથી ચાર મેચમાં જીત મેળવી લ્યે એટલે જો' અને
તો’ના સમીકરણમાં ફસાયા વગર સેમિફાઈનલમાં પહોંચી જશે.
ભારતીય ટીમે આગામી છ મુકાબલા બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ સામે રમવાના છે. આ છમાંથી ત્રણ ટીમ બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેધરલેન્ડ સામે ભારતની જીત સરળ ગણાઈ રહી છે. જો કે આ ત્રણેય ટીમ ઉલટફેર કરી શકે તેમ હોવાથી તેનાથી સાવધ રહેવું પડશે. આવી જ રીતે ટીમનો સૌથી મોટો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થો જે ભારતની જેમ હજુ સુધી આ વર્લ્ડકપમાં અજેય છે. આફ્રિકા અને ઈંગ્લેન્ડ પણ કપરો પડકાર ફેંકી શકે છે. જો કે ભારતીય ટીમે છએય મુકાબલામાંથી એકેયને હળવાશથી લેવાની ભૂલથી બચવું પડશે.