૧૫૦૦થી ૭૦૦૦ સુધીનો ભાવ: પ્રજાસત્તાક પર્વે બન્ને ટીમનું રાજકોટ આગમન: ભારતીય ટીમ સયાજી તો ઈંગ્લેન્ડ ફોર્ચ્યુન હોટેલમાં રોકાશે
સોમવારે બન્ને પ્રેક્ટિસ કરી મંગળવારે ઉતરશે મેદાન: ટિકિટ `બુક માય શો’ પરથી બુક કરી શકાશે
આવતાં મંગળવારે રાજકોટમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી-૨૦ મુકાબલો રમાવાનો છે જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન આ મેચની ટિકિટનું આવતીકાલથી વેચાણ શરૂ કરવામાં આવશે. જ્યારે બન્ને ટીમ પ્રજાસત્તાક પર્વ મતલબ કે રવિવારે રાજકોટ આવી પહોંચશે.
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-૨૦ શ્રેણી રમાવાની છે જે પૈકીની ત્રીજી મેચ રાજકોટમાં રમાશે. આ મેચની ટિકિટ માત્ર બુકમાય શો ઉપરથી માત્ર ઓનલાઈન જ બુક કરી શકાશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા પાછલી અનેક મેચથી ઓફલાઈન ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું હોય ક્રિકેટરસિકોને ઓનલાઈન ટિકિટ બુકિંગમાં ખાસ્સી તકલીફ પણ વેઠવી પડી રહી છે.
રવિવારે ભારત અને ઈંગ્લેન્ડ ટીમ રાજકોટ આવી પહોંચ્યા બાદ એ દિવસે આરામ કર્યા બાદ સોમવારે સવારના સમયે ભારત તો બપોરે ઈંગ્લેન્ડ ટીમ પ્રેક્ટિસ કરશે અને મંગળવારે મુકાબલો કરવા ઉતરશે. ભારતીય ટીમને હોટેલ સયાજી અને ઈંગ્લેન્ડ ટીમને હોટેલ ફોર્ચ્યુનમાં ઉતારો આપવામાં આવ્યો છે. આ મેચની ટિકિટનો દર ૧૫૦૦થી લઈ ૭૦૦૦ સુધીનો રાખવામાં આવ્યો છે.
ઓછા ભાવની ટિકિટ ભાગ્યશાળી'ને જ મળશે !
રાજકોટમાં જ્યારે આંતરરાષ્ટ્રીય મુકાબલો હોય એટલે તેની ટિકિટનું વેચાણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ઓનલાઈન કરવામાં આવે છે. આ માટે બુક માય શો સાથે બીસીસીઆઈનો કરાર હોય તેના મારફે જ ટિકિટ બુકિંગ કરી શકાય છે. જો કે ૧૫૦૦ના દરની ટિકિટ
ભાગ્યશાળી’ ક્રિકેટરસિક હોય તેને જ મળતી હોવાનો રોષ પણ સાંભળવા મળતો હોય છે ત્યારે આ મેચમાં પણ એવું જ થશે કે લોકો આસાનીથી ઓછા ભાવની ટિકિટ ખરીદી શકશે તે જોવું રહ્યું…