બે દિવસમાં જ બાંગ્લાદેશનું કામ તમામ કરી નાખતું ભારત : ઘરઆંગણે 18મી સિરીઝ કબજામાં
ભારતીય દિવસે કાનપુરમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને ઘૂંટણીયે પાડી દઈને શાનદાર જીત હાંસલ કરી હતી. વરસાદને કારણે અઢી દિવસની રમત ખરાબ થઈ હતી પરંતુ રોહિત શર્માની આક્રમક રણનીતિએ ટેસ્ટને ટી-૨૦ જેવી રોમાંચક બનાવી દીધી હતી. ભારતીય ટીમે બાંગ્લાદેશને બીજી ઈનિંગમાં ૧૪૬ રને ઢેર કરી દેતાં જીતવા માટે ૯૫ રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે તેણે ૩ વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કર્યો હતો. બીજી ઈનિંગમાં ભારત વતી યશસ્વી જયસ્વાલે ૫૧ અને વિરાટ કોહલીએ અણનમ ૨૯ રન બનાવ્યા હતા.
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને પ્રારંભે ઝટકા લાગ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા બે અને શુભમન ગીલ છ રન બનાવી આઉટ થયા હતા. ભારત જીતથી ૩ રન દૂર હતું ત્યારે યશસ્વી જયસ્વાલ ૫૧ રન બનાવી આઉટ થયો હતો. આ પછી કોહલી-પંતે ટીમને જીત અપાવી હતી.
ભારતે મેચના અંતિમ દિવસે લંચ સુધી બાંગ્લાદેશને બીજી ઈનિંગમાં ૧૪૬ રને આઉટ કર્યું હતું. પહેલી ઈનિંગમાં ભારત પાસે ૫૨ રનની લીડ હોવાથી તેને માત્ર ૯૫ રનનો લક્ષ્યાંક મળ્યો હતો.
- મેચમાં ૧૭૩.૨ ઓવર જ રમાઈ
- બાંગ્લાદેશની પ્રથમ ઈનિંગ: ૨૩૩-૧૦ (૭૪.૨ ઓવર)
- ભારતની પ્રથમ ઈનિંગ: ૨૮૫-૯ દાવ ડિકલેર (૩૪.૪ ઓવર)
- બાંગ્લાદેશની બીજી ઈનિંગ: ૧૪૬-૧૦ (૪૭ ઓવર)
- ભારતની બીજી ઈનિંગ: ૯૮-૩ (૧૭.૨ ઓવર)
રોહિત બન્યો નંબર વન કેપ્ટન
રોહિત શર્માની આગેવાનીમાં ભારતે બાંગ્લાદેશને બીજી ટેસ્ટમાં પણ હરાવ્યું હતું. આ સાથે જ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)ના ઈતિહાસમાં રોહિત સૌથી સફળ કેપ્ટન બન્યો છે. રોહિત શર્માની જીતની ટકાવારી સૌથી વધુ છે. આ મામલે તેણે વિરાટ કોહલી અને બેન સ્ટોક્સ (ઈંગ્લેન્ડ)ને પાછળ છોડ્યા છે. એટલું જ નહીં રોહિત શર્માએ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રુટની પણ બરાબરી કરી લીધી છે. રોહિતની જીતની ટકાવારી ડબલ્યુટીસી ઈતિહાસમાં ૬૬.૭% થઈ ગઈ છે. જો કે સૌથી વધુ ટેસ્ટ મેચ પેટ કમીન્સે જીત્યા છે. કમીન્સે ૧૭ ટેસ્ટ મેચ ડબલ્યુટીસીના ઈતિહાસમાં જીતી છે.