બુમરાહને `માપ’માં રહેવા ICCની ચેતવણી
હૈદરાબાદ ટેસ્ટમાં જાણી જોઈને ઓલી પોપ સાથે ટકરાયો’તો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી)એ ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ફટકાર લગાવી છે. ઈંગ્લેન્ડના બેટર ઓલી પોપને રન લેતી સમયે જાણી જોઈને રોકવાની બુમરાહે કોશિશ કરી હતી. હૈદરાબાદમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં આ ઘટના બનતાં આઈસીસીના કોડ ઑફ કંડક્ટના લેવલ-૧નું ઉલ્લંઘન કરવા બદલ બુમરાહને ઝાટક્યો છે.
આંતરરાષ્ટ્રીય મેચમાં કોઈ ખેલાડી, અમ્પાયર, સપોર્ટ સ્ટાફ, મેચ રેફરી કે અન્ય કોઈ અધિકારી અથવા વ્યક્તિ સાથે અનુચિત શારીરિક સંપર્ક કરી શકતા નથી. આ ઉપરાંત બુમરાહની શિસ્તતાના રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો છે જેના માટે આ ૨૪ મહિનાના સમયમાં પહેલો અપરાધ હતો.
આ ઘટના ઈંગ્લેન્ડની બીજી ઈનિંગની ૮૧મી ઓવરમાં બની જ્યારે ફૉલો-થ્રૂ પૂર્ણ કર્યા બાદ ઓલી પોપ રન લેવા માટે ગયો તો બુમરાહે જાણી જોઈને રસ્તામાં પગ મુકી દીધો હતો જેના કારણે અનુચિત શારીરિક સંપર્ક થયો હતો. અમ્પાયર પોલ રાયફલ, ક્રિસ ગૈફની, થર્ડ અમ્પાયર મરાઈસ ઈરાસ્મસ અને ફોર્થ અમ્પાયર રોહન પંડિતે બુમરાહ વિરુદ્ધ આરોપ લગાવ્યા હતા.