સૌરાષ્ટ્રને ‘ઘર’માં હરાવતું હરિયાણા
રણજી ટ્રોફીના લો-સ્કોરિંગ મેચમાં ૪ વિકેટે જીત: સ્પીનરોનો રહ્યો દબદબો: સીઝનમાં સૌરાષ્ટ્રની પહેલી હાર
હરિયાણાએ રણજી ટ્રોફી ગ્રુપ
એ’ની લો-સ્કોરિંગ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન સૌરાષ્ટ્રને તેના જ ઘરમાં પરાજય આપ્યો છે. હરિયાણાએ આ મુકાબલો ૪ વિકેટે જીત્યો હતો. સૌરાષ્ટે્ર ત્રીજા દિવસે ૬ વિકેટના ભોગે ૧૪૮ રનથી આગળ રમતાં કેપ્ટન જયદેવ ઉનડકટ (૨૩ રન) અને પાર્થ ભૂત (૪૭ રન)ની મદદથી બીજી ઈનિંગ ૨૨૦ રને સમાપ્ત કરી અને હરિયાણાને ૧૬૬ રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
બીજી બાજુ છેલ્લા સેશનમાં હરિયાણાએ સળંગ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જો કે અશોક મનેરિયા (અણનમ ૫૮ રન) અને રાહુલ તેવટિયા (અણનમ ૧૦ રન)એ ટીમને લક્ષ્યાંક સુધી પહોંચાડી હતી. સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ દિવસે ૧૪૫ રને આઉટ થઈ હતી જેમાં જયંત યાદવે પાંચ વિકેટ ખેડવી હતી.
હરિયાણાએ પહેલી ઈનિંગમાં ૨૦૦ રન બનાવ્યા હતા. મેચમાં સ્પીનરોનો દબદબો રહ્યો હતો જેમાં હરિયાણાના જયંત અને નિશાંત સિંધુનો સમાવેશ થાય છે. નિશાંતે સૌરાષ્ટ્રની બીજી ઈનિંગમાં પાંચ બેટરોને આઉટ કર્યા હતા. જ્યારે સૌરાષ્ટ્ર વતી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ બન્ને ઈનિંગની મળી ૭ વિકેટ ખેડવી હતી.
આ મેચમાં ચેતેશ્વર પુજારાએ પોતાની બન્ને ઈનિંગમાં ૪૯ અને ૩૨ રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્રની આ સીઝનમાં પહેલી હાર થઈ છે.