હાર્દિકનું ગુજરાતથી મુંબઈ જવાનું પાક્કું
આઈપીએલ-૨૦૨૪માં ગુજરાતની કમાન ગીલ અથવા રાશિદ ખાનમાં હાથમાં જોવા મળી શકે
આઈપીએલમાં પોતાની પહેલી જ સીઝનમાં ચેમ્પિયન બનનાર ગુજરાત ટાઈટન્સ ટીમનો કેપ્ટન આગલી સીઝનમાં બદલાયેલો જોવા મળી શકે છે. અત્યારે ટીમની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં છે જેને ગુજરાતે છૂટો કરવાનો નિર્ણય લઈ લીધો છે એટલે હાર્દિક ફરીથી પોતાની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરી શકે છે. હવે ગુજરાત ટીમની કમાન શુભમન ગીલ અથવા રાશિદ ખાનને સોંપાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
અત્યારે આઈપીએલની ટે્રડિંગ વિન્ડો ઓપન છે મતલબ કે ફ્રેન્ચાઈઝી પોતાના ખેલાડીઓને છૂટા કરી શકે છે અને કોઈ અન્ય ટીમ સાથે ખેલાડીઓની અદલા-બદલી કરી શકે છે. હાર્દિક મામલે એવું જાણવા મળી રહ્યું છે કે અત્યારે ગુજરાત અને મુંબઈ એમ બન્ને ફ્રેન્ચાઈઝી ડીલ અંગેની સંભાવના પર કામ કરી રહી છે.
એક સંભાવના એ છે કે પંડ્યાના બદલામાં મુંબઈ ગુજરાતને ૧૫ કરોડ રૂપિયા આપી દે. આ સ્થિતિમાં મુંબઈએ ગુજરાત સાથે કોઈ ખેલાડીને ટે્રડ (આપવો) કરવો પડશે નહીં. જો કે મુંબઈ પાસે અત્યારે માત્ર ૫.૫ કરોડ રૂપિયા જ ઉપલબ્ધ છે. બાકીના ૯.૫ કરોડ માટે તેણે કોઈ મોંઘા ખેલાડીને રિલિઝ કરવો પડશે. બીજી સંભાવના એ છે કે મુંબઈ પણ પંડ્યાની કિંમતની આસપાસ પોતાના ખેલાડીને ગુજરાત સાથે ટે્રડ કરી લ્યે. બન્ને સ્થિતિમાં મુંબઈએ પોતાના કોઈ મોંઘા ખેલાડીને છોડવો જ પડશે.
મુંબઈ પાસે અત્યારે ચાર એવા ખેલાડી છે જેમાં કેમરુન ગ્રીન (૧૭.૫ કરોડ), રોહિત શર્મા (૧૬ કરોડ), ઈશાન કિશન (૧૫.૨૫ કરોડ) અને જસપ્રિત બુમરાહ (૧૨ કરોડ) છે જેમાંથી કોઈ એકને છૂટો કરી શકે છે.
હાર્દિકને નેહરા સાથે `ખટાશ’ કારણભૂત ?
હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સથી વિદાય નક્કી છે ત્યારે તેના ફ્રેન્ચાઈઝી છોડવાના કારણો પણ બહાર આવવા લાગ્યા છે. એક અટકળ એવી વહેતી થઈ છે કે હાર્દિક અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે પાછલા થોડા સમયથી મતભેદ વધી ગયા હતા જે પછી હાર્દિકે ટીમ છોડવાનો નિર્ણય લીધો છે. હાર્દિક અને નેહરા વચ્ચે પણ થોડા સમયથી ખટાશ આવી ગયાની વાત સામે આવી રહી છે.
શું છે ટે્રડ નિયમ ?
ફ્રેન્ચાઈઝી કાં તો ખેલાડીઓને એકબીજા સાથે બદલી શકે છે અથવા સંપૂર્ણ રોકડ સોદાથી ખેલાડીને ખરીદ કરી શકે છે. આ સમગ્ર મામલે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સીલ પાસે અંતિમ અધિકાર હોય છે. જો કોઈ ફ્રેન્ચાઈઝી એક જ ખેલાડીને સાઈન (પોતાની ટીમમાં લેવા) કરવા માંગતી હોય તો ખેલાડીને વેચનારી ફ્રેન્ચાઈઝી નક્કી કરે છે કે તેનો ખેલાડી કઈ ટીમમાં જશે પરંતુ ખેલાડીના ટે્રડ અથવા ટ્રાન્સફર પહેલાં ખેલાડીની સહમતિ પણ જરૂરી બની જાય છે. જો પ્લેયર નવી ટીમમાં જવાનો ઈનકાર કરી દે તો સોદો ફોક થઈ જાય છે. આ ઉપરાંત ફ્રેન્ચાઈઝી પોતાના આઈકન પ્લેયરને ટે્રડ કરી શકતી નથી.
અત્યાર સુધીમાં ટે્રડ કરાયેલા ખેલાડી ખેલાડી કિંમત કઈ ટીમમાંથી કઈ ટીમમાં ગયો
રોમારિયો શેફર્ડ ૫૦ લાખ લખનૌથી મુંબઈ
દેવદત્ત પડ્ડીકલ ૭.૫ કરોડ રાજસ્થાનથી લખનૌ
આવેશ ખાન ૧૦ કરોડ લખનૌથી રાજસ્થાન