બસ ડ્રાયવરને પણ ખબર છે કે કોહલીને આઉટ કેમ કરવો !! રણજી ટ્રોફીમાં કોહલીને આઉટ કરનારા બોલરે કર્યો ખુલાસો
ભારતીય ટીમનો સ્ટાર બેટર વિરાટ કોહલી અત્યારે ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. હવે કોહલીના બેટમાંથી રન નીકળવા મુશ્કેલ બની ગયા છે ત્યારે વિશ્વ સ્તરના બોલરો તોઠીક પરંતુ બસ ડ્રાઈવરને પણ વિરાટ કોહલીની `નબળાઈ’ ખબર પડી જવા પામી છે !
દિલ્હી-રેલવે વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમ પર રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ ભાગ લીધો હતો. દિલ્હી વતી પહેલી ઈનિંગમાં કોહલી છ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ મેચમાં હિમાંશુ સાંગવાને કોહલીને બોલ્ડ કર્યો હતો. હિમાંશુએ ખુલાસો કર્યો કે તેની ટીમના બસ ડ્રાઈવરે તેને સલાહ આપી હતી કે વિરાટને કેવી રીતે બોલિંગ કરવી જેથી તે ઝડપથી આઉટ થઈ જાય.
હિમાંશુએ કહ્યું કે અમે જે બસમાં મુસાફરી કરી રહ્યા હતા તેના બસ ડ્રાયવરે મને કહ્યું હતું કે કોહલીને આઉટ કરવા માટે મારે ચોથા અથવા પાંચમા સ્ટમ્પ પર બોલિંગ કરવાની રહેશે. મને મારા ઉપર ભરોસો હતો. મારે બસ મારી સ્ટે્રન્થ ઉપર ભરોસો રાખવાનો હતો ન કે નબળાઈ ઉપર. મેં મારા મજબૂત પક્ષ ઉપર વિશ્વાસ રાખીને બોલિંગ કરી અને વિકેટ ખેડવી હતી.