ઇંગ્લેન્ડનો પલટવાર વન-ડે જેવી બેટિંગ
રાજકોટ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા ૪૪૫ રનમાં ઓલઆઉટ થયા બાદ ઇંગ્લેન્ડે ૩૫ ઓવરમાં ૨ વિકેટે ઝૂડ્યા ૨૦૭ રન
બેન ડકેટે ૧૧૮ દડામાં બનાવ્યા ૧૩૩ રન, હજુ ક્રિઝ પર અડીખમ: ઇંગ્લેન્ડ કરતાં ભારત હજુ ૨૩૮ રન આગળ
સિરાજ-અશ્વિનને મળી એક-એક સફળતા: બુમરાહ સહિતના બોલરોની `ખબર’ લેતાં ઇંગ્લિશ બેટરો
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ પર ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારત ૪૪૫ રનમાં ઓલઆઉટ થયા બાદ ઈંગ્લેન્ડે પલટવાર કરીને વન-ડે જેવી બેટિંગથી ભારતની મુશ્કેલી વધારી દીધી છે. ઈંગ્લેન્ડે ૩૫ ઓવરમાં ૨ વિકેટે ૨૦૭ રન ઝૂડી નાખતાં વિકેટ મેળવવા માટે ભારતીય બોલરો રીતસરના મરણિયા બની ગયા હતા. ઈંગ્લેન્ડ વતી બેન ડકેટે ૧૧૮ દડામાં ૧૩૩ રન બનાવી લીધા છે અને હજુ તે ક્રિઝ પર અડીખમ હોય આજે ત્રીજા દિવસે તેની વિકેટ ખેડવવી જરૂરી બની જાય છે. બીજી બાજુ ભારત કરતા ઈંગ્લેન્ડ હજુ ૨૩૮ રન પાછળ છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા (૧૩૧) ઉપરાંત ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (૧૧૨ રન)એ સદી બનાવી હતી તો ડેબ્યુ કરનારા સરફરાઝ ખાને ૬૨ રનની ઈનિંગ રમી હતી. બીજા દિવસની શરૂઆત ટીમ ઈન્ડિયાએ પાંચ વિકેટે ૩૨૬ રનથી કરી હતી. જાડેજા અને કુલદીપ અડધી કલાકમાં જ આઉટ થયા બાદ ધ્રુવ જુરેલ અને આર.અશ્વિને ફિફટીની ભાગીદારી કરીને ભારતને ૪૦૦ રનને પાર પહોંચાડી હતી. અંતમાં બુમરાહ-સિરાજે ૩૦ રનની ભાગીદારી કરી મહત્ત્વપૂર્ણ રન જોડ્યા હતા. ઈંગ્લેન્ડ વતી માર્ક વૂડે સૌથી વધુ ૪ વિકેટ ખેડવી હતી.
ભારતના ૪૪૫ રનના જવાબમાં ઈંગ્લેન્ડે પલટવાર કરતા શરૂઆતથી જ ઝડપી બેટિંગ શરૂ કરી હતી. તેને પ્રથમ ઝટકો ૧૩.૧ ઓવરમાં ૮૯ રને લાગ્યો હતો જેમાં જેક ક્રાઉલી ૧૫ રન બનાવી આઉટ થયો હતો. આ પછી ઓલી પોપ ૩૯ રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. જો કે બેન ડકેટે એક છેડો સાચવી રાખી ભારતીય બોલરોની ખબર લેવાનું ચાલું જ રાખ્યું હતું. ડકેટે ૧૧૮ દડામાં ૨૧ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૧૩૩ રન બનાવી લીધા છે અને હજુ તે ક્રિઝ પર છે. ડકેટનો સાથ રુટ ૯ રન બનાવીને આપી રહ્યો છે.
ડકેટે ૧૦૦માંથી ૮૨ રન તો બાઉન્ડ્રીથી જ બનાવ્યા ભારત સામે ઈંગ્લેન્ડ વતી બેન ડકેટે ૮૮ દડામાં સદી બનાવી હતી. આ દરમિયાન તેણે એક છગ્ગો અને ૧૯ ચોગ્ગા લગાવ્યા હતા. તેણે પોતાની ૧૦૦ રનની ઈનિંગમાં માત્ર ચોગ્ગા-છગ્ગાની મદદથી જ ૮૨ રન બનાવ્યા હતા જે જોઈને સૌ કહી રહ્યા હતા કે આ ટેસ્ટ મેચ છે કે ટી-૨૦ !
ઘર બહાર ઈંગ્લેન્ડ માટે સૌથી ઝડપી સદી
દડા ખેલાડી હરિફ ટીમ સ્થળ વર્ષ
૮૦ હૈરી બ્રુક પાકિસ્તાન રાવલપિંડી ૨૦૨૨
૮૬ જૈક ક્રાઉલી પાકિસ્તાન રાવલપિંડી ૨૦૨૨
૮૮ કેવિન પીટરસન વિન્ડિઝ પોર્ટ ઑફ સ્પેન ૨૦૦૯
૮૮ બેન ડકેટ ભારત રાજકોટ ૨૦૨૪
૯૦ ઓલી પોપ પાકિસ્તાન રાવલપિંડી ૨૦૨૨
ભારત વિરુદ્ધ ભારતમાં સૌથી ઓછા દડામાં સદી બનાવનાર બેટર
દડા બેટર સ્થળ વર્ષ
૮૪ એડમ ગિલક્રિસ્ટ મુંબઈ ૨૦૦૧
૮૫ ક્લાઈવ લોઈડ બેંગ્લોર ૧૯૭૪
૮૮ બેન ડકેટ રાજકોટ ૨૦૨૪
૯૯ રોસ ટેલર બેંગ્લોર ૨૦૧૨
અશ્વિને કરાવ્યું ભારતને પાંચ રનનું નુકસાન !
રાજકોટ ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિને એક મોટી ભૂલ કરી નાખી હતી. બીજા દિવસે તેની લાપરવાહીથી ઈંગ્લેન્ડને ફાયદો થયો હતો. આ કારણથી ઈંગ્લીશ ટીમે પોતાની પહેલી ઈનિંગ ૫/૦ના સ્કોરથી શરૂ કરી હતી મતલબ કે કોઈ પ્રકારની મહેનત કર્યા બાદ તેને પાંચ રન મળી ગયા હતા. અશ્વિન પીચ ઉપર દોડતો ધ્યાન પર આવ્યો હતો જેના કારણે ભારતને પાંચ રનની પેનલ્ટી ફટકારાઈ હતી.
ઇંગ્લિશ દર્શકોને લાગી ગરમી, શર્ટ ઉતારી નાખ્યા

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચના બીજા દિવસે ગરમીનું પ્રમાણ વધુ હોવાથી ઈંગ્લેન્ડથી આવેલા દર્શકો તેને સહન કરી શક્યા ન્હોતા અને ગ્રાઉન્ડ પર જ શર્ટ ઉતારી બેસી ગયા હતા. સામાન્ય રીતે આવા દૃશ્યો વિદેશમાં મેચ હોય ત્યારે જોવા મળતા હોય છે પરંતુ પહેલી વખત રાજકોટમાં પણ આવું બન્યું છે.
સરફરાઝ ખાનના પિતાને ગિફટમાં `થાર’ આપશે આનંદ મહિન્દ્રા

રાજકોટ: ભારતના દિગ્ગજ બિઝનેસમેન અને ઓટોમોબાઈલ કંપની મહિન્દ્રાના માલિક આનંદ મહિન્દ્રાએ રાજકોટથી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરનાર સરફરાઝ ખાન અને તેના પિતા નૌશાદ ખાનના વખાણ કર્યા છે. એટલું જ નહીં આનંદ મહિન્દ્રાએ એક મોટી ગીફ્ટ સરફરાઝ ખાનના પિતાને આપવાનો નિર્ણય લીધો છે. સાથે એમ પણ કહ્યું છે જો તેઓ આ ભેટનો સ્વીકાર કરી લેશે તો તેમને (મહિન્દ્રાને) ખૂબ જ ગમશે.આનંદ મહિન્દ્રાએ એક થાર એસયૂવી નૌશાદ ખાનને આપવાનો નિર્ણય કર્યો છે. તેઓ ઘણી વખત ખેલાડીઓ માટે આવું કરે છે. જો કે અમુક પ્રસંગે ખેલાડીઓના માતા-પિતાને પણ આ પ્રકારે તેમણે પ્રોત્સાહિત કર્યા છે. સૌ કોઈ જાણે છે કે સરફરાઝ ખાનની આ સફળતામાં તેના પિતા નૌશાદ ખાને કેટલી મહેનત કરી છે. આ જ કારણથી નૌશાદની મહેનતની કદર કરીને મહિન્દ્રાએ તેમને ભેટ આપવાનો નિર્ણય લીધો છે.આનંદ મહિન્દ્રાએ એક્સ (ટવીટર) દ્વારા સરફરાઝ ખાન અને તેના પિતાના વખાણ કર્યા છે. તેમણે લખ્યું કે `હિંમત નહીં છોડતા, બસ ! અથાગ મહેનત, સાહસ, ધૈર્ય…એક પિતા માટે એક બાળકમાં પ્રેરણા આપવા માટે આનાથી શ્રેષ્ઠ ગુણ બીજા કયા હોઈ શકે ? એક પ્રેરણાદાયક માતા-પિતા હોવાને નાતે આ મારું સૌભાગ્ય અને સમ્માન હશે કે નૌશાદ ખાન થાર એસયુવીની ભેટનો સ્વીકાર કરશે. ઉલ્લેખનીય છે કે સરફરાઝે રાજકોટ ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે ૬૬ દડામાં ૯ ચોગ્ગા અને ૧ ચગ્ગાની મદદથી ૬૨ રન બનાવ્યા હતા.