ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ : ઓલી પોપણી સદી સાથે ઇંગ્લેન્ડનો સ્કોર 316/6
ત્રીજા દિવસની રમતમાં ટીમ ભારતના બેટરો કાઇ ઉકાળી શક્યા નહીં,ઇંગ્લેન્ડને 126 રનની લીડ
હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસની શરૂઆત ભારતની બેટિંગ સાથે થઈ, જ્યારે રવિન્દ્ર જાડેજા 81 રન બનાવીને ક્રીઝ પર હતો અને અક્ષર પટેલ 35 રન બનાવીને રમતમાં હતો. ભારતે દિવસની શરૂઆત 421/7 રનના સ્કોરથી કરી હતી. પરંતુ ભારતીય બેટ્સમેનો વધુ સમય સુધી ક્રિઝ પર ટકી શક્યા નહોતા અને યજમાન ટીમનો દાવ 436 રન પર સમાપ્ત થયો હતો. બીજા દાવમાં બેટિંગ કરતા ઈંગ્લેન્ડે ઓલી પોપની સદીની મદદથી દિવસના અંતે 316/6 રન બનાવ્યા હતા અને 126 રનની લીડ મેળવી હતી.
ત્રીજા દિવસે ભારતીય બેટ્સમેનો નિષ્ફળ રહ્યા
ભારતે ત્રીજા દિવસની શરૂઆત કરી ત્યારે તેની ત્રણ વિકેટ હાથમાં હતી. પરંતુ યજમાન ટીમ ત્રણ વિકેટનો યોગ્ય ઉપયોગ કરી શકી ન હતી અને 15 રનના અંતરે જ ગુમાવી દીધી હતી. એટલે કે ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ 3 વિકેટે માત્ર 15 રન બનાવ્યા હતા. આ દરમિયાન જો રૂટે રવિન્દ્ર જાડેજા અને બુમરાહને આઉટ કર્યા હતા. જ્યારે રેહાન અહેમદે અક્ષર પટેલને પોતાની જાળમાં ફસાવી દીધો હતો. ઇનિંગ્સના અંત સુધીમાં ભારતે 190 રનની લીડ મેળવી લીધી હતી.
બીજી ઈનિંગમાં બેટિંગ કરવા આવતા ઈંગ્લેન્ડે સારી ગતિએ રન બનાવવાનું શરૂ કર્યું, પરંતુ સતત પડતી વિકેટ તેના માટે ચિંતાનો વિષય બની ગઈ. સતત પડી રહેલી વિકેટો વચ્ચે ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા ઓલી પોપ ક્રિઝ પર રહ્યો હતો. બેન ડકેટ અને જેક ક્રાઉલે ઈંગ્લેન્ડને 45 રનની શરૂઆત અપાવી હતી. ભારતને પ્રથમ સફળતા આર અશ્વિને 10મી ઓવરમાં જેક ક્રોલીના રૂપમાં અપાવી હતી. જે 33 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 31 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ 19મી ઓવરમાં જસપ્રીત બુમરાહે બેન ડકેટને આઉટ કર્યો.સારી ઇનિંગ રમી રહેલો ડકેટ 7 ચોગ્ગાની મદદથી 47 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.