રાજકોટમાં ડ્રગ્સ સપ્લાય કરી છૂપાઈ ગયેલો મુખ્ય સપ્લાયર પકડાયો
ચાર મહિના પહેલાં શીતલ પાર્ક રોડ પરથી ફ્રૂટના ધંધાર્થીને ડ્રગ્સ મોકલ્યું’તું: ગુનો નોંધાતાં જ અમદાવાદ અને ત્યાંથી મધ્યપ્રદેશ ભાગી ગયો’તો
રાજકોટમાં ડ્રગ્સના નેટવર્કને ભેદવા માટે પોલીસ એડીચોટીનું જોર લગાવી રહી છે ત્યારે અત્યાર સુધી પેડલરો જ પકડાયા બાદ ઘણા લાંબા સમય બાદ મુખ્ય સપ્લાયર સુધી પોલીસે પહોંચી જઈને તેને દબોચી લેતાં આગામી સમયમાં ડ્રગ્સ નેટવર્કના મોટા ખુલાસા થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. ઝોન-૨ એલસીબીની ટીમ દ્વારા મધ્યપ્રદેશથી ડ્રગ્સના સપ્લાયરને પકડી પાડી આગળની તપાસ માટે તેનો કબજો યુનિવર્સિટી પોલીસ મથકને સોંપ્યો હતો.

ઝોન-૨ એલસીબી પીએસઆઈ આર.એચ.ઝાલા સહિતની ટીમે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના ઢોઢર ગામમાં દરોડો પાડી અખતરખાન મીરમોહમ્મદખાન પઠાણ (ઉ.વ.૫૪)ને પકડી પાડ્યો હતો. અખતરખાને ચાર મહિના પહેલાં શીતલ પાર્ક રોડ ઉપર ફ્રૂટના ધંધાર્થી એવા જલાલને ૧૯ ગ્રામ ડ્રગ્સની સપ્લાય કરી હતી પરંતુ એસઓજીએ જલાલને પકડી પાડી તેને ડ્રગ્સ આપનાર સપ્લાયર તરીકે અખતરખાનનું નામ ખોલતાં ચાર મહિનાથી તેની શોધખોળ ચાલી રહી હતી.
રાજકોટમાં ગુનો નોંધાયો ત્યારે અખતરખાન અમદાવાદમાં હતો પરંતુ તેને ગુના અંગે જાણ થતાં જ તે મધ્યપ્રદેશમાં છુપાઈ ગયો હતો અને છૂટક મજૂરી કરવા લાગ્યો હતો. જો કે પોલીસે ત્યાં જઈને પકડી લેતાં પ્રારંભીક પૂછપરછમાં એવો ખુલાસો થયો હતો કે તેણે જલાલને ૧૦૦૦ રૂપિયા પ્રતિ ગ્રામ લેખે ડ્રગ્સ વેચ્યું હતું. અખતરખાન સામે અમદાવાદમાં એનડીપીએસ, આર્મ્સ એક્ટ, હત્યાના પ્રયાસ સહિતના ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.