પરાજય ઈફેક્ટ: ઈંગ્લેન્ડ ટીમમાંથી ૯ ખેલાડી `આઉટ’
બટલરની કેપ્ટનશિપ જળવાઈ રહી: ૩ ડિસેમ્બરથી વિન્ડિઝ પ્રવાસે ટી-૨૦, વન-ડે શ્રેણી રમશે ઈંગ્લેન્ડ
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આવતાં મહિને શરૂ થઈ રહેલી વન-ડે અને ટી-૨૦ શ્રેણી માટે ટીમનું એલાન કરી દીધું છે. વન-ડે શ્રેણી માટે ૧૫ ખેલાડીઓને તક આપવામાં આવી છે જ્યારે ટી-૨૦ શ્રેણી માટે ૧૬ ખેલાડીાઓને ટીમનો હિસ્સો બનાવાયા છે. જોશ બટલર ટીમનો કેપ્ટન યથાવત રહેશે.
વર્લ્ડકપ-૨૦૨૩નો હિસ્સો રહેલા ૧૫માંથી ૯ ખેલાડીઓને બહાર કરી દેવામાં આવ્યા છે. માત્ર ૬ ખેલાડી જ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વન-ડે શ્રેણી રમશે જે વર્લ્ડકપ-૨૦૨૩નો હિસ્સો હતો. તેમાં કેપ્ટન જોશ બટલર, હેરી બ્રુક, ગસ એટકિંસન, બ્રાયડન કાર્સ, સૈમ કરન અને લિયામ લિવિંગસ્ટોન છે. આ ઉપરાંત બાકી તમામ ખેલાડીઓને કાં તો પડતા મુકાયા છે અથવા તો આરામ આપી દેવામાં આવ્યો છે. જો કે અમુક ખેલાડીઓનું નામ ટી-૨૦ ટીમમાં સામેલ છે.
વિન્ડિઝ પ્રવાસ માટે બે નવા ખેલાડીને ટીમમાં જગ્યા મળી છે. જોશ ટંગ અને જૉન ટર્નરને વન-ડે અને ટી-૨૦ ટીમમાં સામેલ કરાયો છે જે અનકેપ્ડ (અત્યાર સુધી રાષ્ટ્રીય ટીમમાં રમવાની તક મળી ન હોય તેવો) સીમર છે. ઈંગ્લેન્ડનો વિન્ડિઝ પ્રવાસ ૩ ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે.