ચેમ્પિયન્સ ટ્રોફીએ ત્રણ કેપ્ટનનું કામ કર્યું ખરાબ !! જોસ બટલરે ઈંગ્લેન્ડની કમાન છોડી, મોહમ્મદ રિઝવાનને ટી-20 ટીમમાંથી પડતો મુકાયો
હવે સ્ટિવ સ્મિથે વન-ડે ક્રિકેટને જ અલવિદા કહી દીધું
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૨૫ ફાઈનલ મુકાબલા સુધી ભારતીય ટીમ માટે અત્યંત શાનદાર રહી છે. વિજયરથ પર સવાર ભારતીય ટીમ હવે ફાઈનલમાં ટક્કર લેવા માટે તૈયાર છે. સેમિફાઈનલમાં ઑસ્ટે્રલિયાને ચાર વિકેટે હરાવ્યા બાદ ટીમનો જુસ્સો સાતમા આસમાને છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થતાંની સાથે જ કેપ્ટન સ્ટિવ સ્મિથે વન-ડે ક્રિકેટને અલવિદા કહ્યું હતું. શરમજન પ્રદર્શન કરનારી પાકિસ્તાની ટીમના કેપ્ટનને પણ કદ પ્રમાણે વેતરાયો હતો તો ઈંગ્લેન્ડના કેપ્ટને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
આ વખતે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીએ કેપ્ટનો માટે મુશ્કેલી ઉભી કરી દીધી હતી. એક-બે નહીં બલ્કે ત્રણ કેપ્ટનનું કામ ખરાબ કર્યું હતું. ટૂર્નામેન્ટમાં આવતાં પહેલાં જીતનો દમ રાખતી પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ ટીમની હાર થઈ એ બધાએ જોયું. પાકિસ્તાનને એક પણ જીત નસીબ ન થઈ જેના કારણે બોર્ડે મોહમ્મદ રિઝવાનને ટી-૨૦ ટીમમાંથી બહાર કરી દીધો સાથે સાથે ટી-૨૦ ફોર્મેટમાં નવો કેપ્ટન પણ પસંદ કર્યો હતો.
ઈંગ્લેન્ડ ટીમની હાલત પણ પાકિસ્તાન જેવી જ થઈ હતી. અફઘાન સામે પરાજય થતાંની સાથે જ કેપ્ટન જોસ બટલરે કેપ્ટનશિપ છોડી દીધી હતી. હવે ઑસ્ટે્રલિયા ટીમ સાથે પણ આવું જ થયું છે અને તેના કેપ્ટન સ્ટિવ સ્મિથે પણ વન-ડે કારકીર્દિ ઉપર પૂર્ણવિરામ મુકી દીધું હતું.