અમદાવાદમાં યોજાશે શ્વાસ અધ્ધર કરી દેતા બાઈકના સ્ટન્ટ !
ભારત સહિત દુનિયાભરના રાઈડર્સ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગમાં લેશે ભાગ: પ્રથમ તબક્કો પૂના, બીજો અમદાવાદ અને ફાઈનલમાં દિલ્હીમાં યોજાશે
ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ (આઈએસઆરએલ)નો જબદરસ્ત અંદાજમાં પ્રારંભ થયો છે. પહેલી રેસ પૂનામાં આયોજિત થઈ જ્યાં દસ હજારથી વધુ ચાહકો વચ્ચે બિગરૉક મોટરસ્પોર્ટ ટીમ પ્રથમ ક્રમે રહી હતી. ફ્રાન્ચના બી.બી. રેસિંગના જોર્ડી ટિક્સિયરે હોન્ડાની સ્વારી દરમિયાન કરેલા સ્ટન્ટથી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તે ૪૫૦ સીસી આંતરરાષ્ટ્રીય રેસનો ચેમ્પિયન રહ્યો જ્યારે બિગરૉક મોટરસ્પોર્ટસના ઓસ્ટે્રલિયન રેસર રીડ ટેલરે કાવાસાકી ડ્રાઈવ કરીને ૨૫૦ સીસી રેસમાં ધમાલ મચાવી હતી. ટૂર્નામેન્ટનો બીજો તબક્કો હવે ૧૧ ફેબ્રુઆરીએ અમદાવાદના ઈકેએ એરેના-ટ્રાન્સ્ટેડિયામાં આયોજિત થશે. જ્યારે ફાઈનલ નવીદિલ્હીમાં યોજાશે.
પૂનામાં આયોજિત સીઝન-૧ની પહેલી રેસમાં ચાર શ્રેણીઓમાં આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન અને ઉભરતા ભારતીય સીતારાઓએ ૪૫૦ સીસી આંતરરાષ્ટ્રીય રાઈડર્સ, ૨૫૦ સીસી આંતરરાષ્ટ્રીય રાઈડર્સ, ૨૫૦ સીસી ભારત-એશિયા મિક્સ અને બાળકોના વર્ગમાં ૮૫ સીસી જુનિયર કેટેગરીમાં ભાગ લીધો હતો. દુનિયાભરના ટોચના રાઈડર્સના ભારતમાં આયોજિત ટૂર્નામેન્ટમાં ભાગ લેવાથી એ સ્થાનિક રેસરોને પણ પ્રોત્સાહન મળ્યું જેઓ બાઈકથી હવામાં વાત કરવાનો ઉત્સાહ ધરાવે છે.
પૂનામાં આ ટૂર્નામેન્ટ શ્રી શિવ છત્રપતિ સ્પોર્ટસ કોમ્પલેક્સમાં યોજાઈ હતી જ્યારે હવેનો બીજો તબક્કો અમદાવાદમાં થશે. ફાઈનલ દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં રમાશે.