BCCI કોઈના નખરા ઉઠાવશે નહીં, દરેકે ઘરેલું ક્રિકેટમાં રમવું જ પડશે
રાજકોટમાં બોર્ડ સચિવ જય શાહની રણજી ટ્રોફી સહિતની ટૂર્નામેન્ટને નજરઅંદાજ કરતાં ખેલાડીઓને ચેતવણી
બીસીસીઆઈ સચિવ જય શાહે આઈપીએલને વધુ મહત્ત્વ આપનારા ખેલાડીઓને લઈને કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી છે. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની નામકરણ વિધિના કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેલા જય શાહે જણાવ્યું કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ કોઈ પણ ખેલાડીના નખરા સહન કરશે નહીં. દરેક ખેલાડીએ સૌથી પહેલાં રણજી ટ્રોફીને જ મહત્ત્વ આપવાનું રહેશે નહીં કે આઈપીએલને…આ માટે બોર્ડ કોઈ પણ પ્રકારનું બહાનું સહન કરશે નહીં.
જય શાહે કાર્યક્રમ દરમિયાન વધુમાં જણાવ્યું કે જે ખેલાડીઓ રેડ બોલ ક્રિકેટથી અંતર બનાવી રહ્યા છે તેમને અગાઉથી જ ફોન ઉપર જાણ કરી દેવામાં આવી છે અને હવે તમામને લેખિતમાં જાણકારી આપવામાં આવશે. જો તમારા પસંદગીકાર, કોચ અને કેપ્ટન તમને ઘરેલું રેડ બોલ ક્રિકેટ રમવા માટે કહી રહ્યા છે તો તમારે રમવું જ પડશે. જો કે સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે આ ઘરેલું ટૂર્નામેન્ટમાં ખેલાડીઓની ભાગીદારી નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ)ના માર્ગદર્શન પ્રમાણે જ રહેશે.
ખેલાડીઓને એનસીએ તરફથી જે સલાહ મળે છે તેનું પાલન કરવું જ પડશે. જો કોઈ ખેલાડી ફિટનેસને કારણે ક્રિકેટ ન રમી શકતો હોય તો અમે ધરાર તેને રમવા માટે મજબૂર કરશું નહીં પરંતુ જો ખેલાડી ફિટ હશે તો અમે કોઈ પણ ખેલાડીના નખરા સહન કરવાના નથી. આ ચેતવણી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતાં તમામ ખેલાડીઓને લાગુ પડે છે. વ્યક્તિગત કારણોસર કોઈ ખેલાડીને રજાની જરૂર હશે તો અમે તેનું સમર્થન કરશું અને તેને રજા આપશું.