ફૂટબોલના ૩૮ `ફિક્સર’ ખેલાડી પર પ્રતિબંધ !!
ખેલાડી સહિત ૪૩ની ખૂલી સંડોવણી: હવે આજીવન મેદાન ઉપર નહીં ઉતરી શકે
ક્રિકેટ સહિતની રમતમાં ફિક્સિંગનું ભૂત ઘણી વખત ધૂણ્યું છે પરંતુ હવે ઝનૂની ગણાતી ફૂટબોલની રમતમાં પણ આ દૂષણ ઘર કરી ગયું છે. ચીન ફૂટબોલ એસોસિએશને ૪૩ લોકો ઉપર મેચ ફિક્સિંગ સહિતના ભ્રષ્ટાચારના આરોપમાં આજીવન પ્રતિબંધ મુકી દીધો છે. ચીનનો રેકોર્ડ ફૂટબોલ કરતાં અન્ય રમતમાં સારો છે. આ જ કારણથી ઓલિમ્પિક દરમિયાન તે ૪૦ ગોલ્ડ મેડલ સાથે બીજા ક્રમે રહ્યું હતું પરંતુ ફૂટબોલમાં ભ્રષ્ટાચારને કારણે તેની સ્થિતિ હંમેશાથી ખરાબ રહી છે. આ દૂષણને દૂર કરવા માટે ચીનના ફૂટબોલ એસો.એ બે વર્ષ સુધી તપાસ કરીને આ પગલું ઉઠાવ્યું હતું.
ચીન ફૂટબોલ એસો.ની આ તપાસમાં ૧૨૦ મેચ, ૧૨૮ શંકાસ્પદ અને ૪૧ ક્લબ નિશાન ઉપર હતી. એસો.એ આ કાંડની તપાસ બે વર્ષ સુધી ચલાવી હતી જે પછી ૩૮ ખેલાડી અને પાંચ મેચ ઓફિશિયલ દોષિત ઠર્યા હતા. આ તમામ ઓનલાઈન જુગાર, મેચ ફિક્સિંગ અને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હતા. જ્યારે અમુક વિદેશી ખેલાડીઓ અને ઓફિશિયલ ઉપર ટૂંકા ગાળાનો પ્રતિબંધ લગાવાયો છે. વિદેશી ખેલાડીઓ વધુ પગાર માટે ચીન વતી રમતા હતા.
૨૦૨૬ વર્લ્ડકપ માટે એશિયા ક્વોલિફિકેશન રાઉન્ડમાં ત્રીજા તબક્કાની શરૂઆત થઈ ચૂકી છે. પાછલા સપ્તાહે જાપાને ચીનને ૭-૦થી કચડ્યું હતું. આ જાપાન વિરુદ્ધ ચીનની સૌથી મોટી હાર હતી. હવે તેનો મુકાબલો સઉદી અરબ સામે છે. ૨૦૨૬ વર્લ્ડકપ અમેરિકા, મેક્સિકો અને કેનેડાની યજમાનીમાં થો અને તેમાં ૪૮ ટીમ ભાગ લેશે.