ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટમાં બાંગ્લાદેશની રેકોર્ડ જીત: પોઈન્ટ ટેબલમાં ભારતને ઝટકો
પહેલી વખત ઘરમાં જ ન્યુઝીલેન્ડને આપ્યો પરાજય: ૩૩૨ રનના લક્ષ્યાંક સામે કિવિઝ ૧૮૧ રનમાં ખખડ્યું
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે પોતાના ઘરમાં ઈતિહાસ રચી દીધો છે. નઝમુલ હસન શંટોની આગેવાનીવાળી બાંગ્લાદેશે પહેલી ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડને ૧૫૦ રને હરાવી બે મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ બાંગ્લાદેશની પોતાના ઘરમાં આ પહેલી અને ઓવરઓલ બીજી ટેસ્ટ જીત છે. આ પહેલાં બાંગ્લાદેશે ન્યુઝીલેન્ડને પાછલા વર્ષે તેના જ ઘરમાં હરાવ્યું હતું. આ સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ભારત કરતા બાંગ્લાદેશ આગળ નીકળી ગયું છે.
મેચમાં બાંગ્લાદેશે આપેલા ૩૩૨ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ ૧૮૧ રને ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશને પાંચમા અને અંતિમ દિવસે જીત માટે બે વિકેટની જરૂર હતી જે તેણે પહેલાં સેશનમાં જ ખેડવી નાખી હતી.
બાંગ્લાદેશની બીજી ઈનિંગને વિખેરી નાખવામાં સ્પીનર તાઈઝુલ ઈસ્લામનો મહત્ત્વનો રોલ રહ્યો હતો જેણે ૬ વિકેટ મેળવી હતી. તેણે પહેલી ઈનિંગમાં પણ ચાર વિકેટ પોતાના નામે કરી હતી. આ રીતે તેણે બન્ને ઈનિંગની મળી ૧૦ વિકેટ ખેડવી હતી.