WTC પોઈન્ટ ટેબલમાં ફરી મોટો ફેરફાર, ન્યૂઝીલેન્ડને જીતનો ફાયદો જ્યારે શ્રીલંકાને મોટું નુકસાન થયું
ભલે મુલાકાતી ઈંગ્લિશ ટીમે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી 2-1થી જીતી લીધી હોય, યજમાન કિવી ટીમે પણ છેલ્લી મેચમાં જોરદાર જીત મેળવીને ઘરઆંગણે કલીનસ્વિપ બચાવી લીધું હતું. ન્યૂઝીલેન્ડે મહેમાનોને 658 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં ઈંગ્લિશ ટીમ માત્ર 234 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડની આ જીત સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના પોઈન્ટ ટેબલમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે. ન્યુઝીલેન્ડને ફાયદો થયો છે તો શ્રીલંકાની ટીમને મોટું નુકસાન થયું છે.
છેલ્લી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ ન્યૂઝીલેન્ડની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં 5માંથી ચોથા સ્થાને પહોંચી ગઈ છે. અત્યાર સુધી રમાયેલી કુલ 14 મેચોમાંથી ન્યૂઝીલેન્ડે 7માં જીત અને 7માં હારનો સામનો કરવો પડ્યો છે. કિવી ટીમની જીતની ટકાવારી હવે 48.21 થઈ ગઈ છે. જોકે, તે હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
ન્યૂઝીલેન્ડની આ જીતથી શ્રીલંકન ટીમને મોટું નુકસાન થયું છે. તે હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાનેથી પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. શ્રીલંકાની ટીમ અત્યાર સુધી કુલ 11 ટેસ્ટમાંથી માત્ર પાંચ જ જીતી શકી છે અને 6 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. તેની જીતની ટકાવારી 45.45 છે. બીજી તરફ ઈંગ્લેન્ડને આ હારની કોઈ અસર થઈ નથી. તે હજુ છઠ્ઠા નંબર પર યથાવત છે.