ભારત સામે આફ્રિકાનું ‘સરન્ડર’
કેપટાઉન ટેસ્ટની પહેલી ઈનિંગની ૨ કલાકમાં જ આખી ટીમ ૫૫ રનમાં આઉટ: મોહમ્મદ સીરાજનો કહેર, ૧૫ રન આપી ખેડવી ૬ વિકેટ
બોલિંગ પેરેડાઈઝ વિકેટ પર હવે ભારતના બેટરોની અગ્નિપરીક્ષા
ભારત-આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીનો અંતિમ અને નિર્ણાયક મુકાબલો કેપટાઉનમાં રમાઈ રહ્યો છે. ટોસ જીતી પહેલાં બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકાએ ભારતીય સામે સરન્ડર કરી દીધું હોય તેમ ૫૫ રનમાં જ આખી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ભારત વતી મોહમ્મદ સીરાજે એક પછી એક વિકેટ લેવાનું શરૂ કરી દેતાં આફ્રિકા હચમચી ગયું હતું.
સિરાજે મેચમાં ૯ ઓવરમાં ૧૫ રન આપીને ૬ વિકેટ ખેડવી હતી. તેણે એડેન માર્કરમ, ડીન એલ્ગર, ટોની ડી જોરજી, ડેવિડ બેડિંગમ, કાઈલ વેરિયને અને માર્કો જાનસેનને પોતાનો શિકાર બનાવ્યા હતા. આફ્રિકાએ ૧૫ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધા પછી ૩૪ રને પાંચમી વિકેટ ગુમાવી હતી. આ પછી આખી ટીમ જ ૫૫ રનમાં ઢેર થઈ ગઈ હતી. મેચમાં મોહમ્મદ સીરાજનો કહેર એવો રહ્યો કે આફ્રિકા માટે વેરિયને ૧૫ અને બેડિંઘમ ૧૨ રન બનાવી શક્યા હતા. આ ઉપરાંત કોઈ પણ બેટર બે આંકના સ્કોર સુધી પણ પહોંચી શક્યા ન્હોતા.
ટેસ્ટ ઈતિહાસમાં ભારતીય ટીમ વિરુદ્ધ આફ્રિકી ટીમનો કોઈ એક ઈનિંગમાં આ સૌથી નાનો સ્કોર છે.
આ પહેલાં આફ્રિકી ટીમે નવેમ્બર-૨૦૧૫માં ભારત વિરુદ્ધ સૌથી નાનો સ્કોર બનાવ્યો હતો. ત્યારે નાગપુર ટેસ્ટમાં ટીમ ૭૯ રને આઉટ થઈ ગઈ હતી. એ મેચમાં સ્પીનર રવિચંદ્રન અશ્વિને પહેલી ઈનિંગમાં પાંચ અને બીજી ઈનિંગમાં સાત વિકેટ લીધી હતી. સાથે જ આફ્રિકી ટીમનો પોતાના ઘરમાં પણ ભારત વિરુદ્ધ આ સૌથી નાનો સ્કોર છે. આ પહેલાં યજમાન આફ્રિકાએ ભારત વિરુદ્ધ ડિસેમ્બર-૨૦૦૬માં સૌથી નાનો સ્કોર બનાવ્યો હતો. ત્યારે ટીમ જોહાનિસબર્ગમાં ૮૪ રને સંકેલાઈ ગઈ હતી. એ મેચમાં ફાસ્ટ બોલર એસ.શ્રીસંતે પહેલી ઈનિંગમાં પાંચ અને બીજી ઈનિંગમાં ત્રણ વિકેટ ખેડવી હતી.