આફ્રિકાએ બાંગ્લાદેશ સામે ટેસ્ટમાં વરસાવ્યો છગ્ગાનો વરસાદ : ભારતનો રેકોર્ડ તૂટતાં તૂટતાં રહી ગયો
બાંગ્લાદેશ-આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીનો બીજો મુકાબલો ચટગાંવમાં રમાઈ રહ્યો છે. આ મેચમાં આફ્રિકી ટીમે પહેલાં બેટિંગ કરતાં ઈનિંગ ૬ વિકેટના નુકસાને ૫૭૫ રન બનાવીને ડિકલેર કરી હતી. આ દરમિયાન તેણે છગ્ગાનો એવો વરસાદ વરસાવ્યો કે ભારતનો રેકોર્ડ તૂટતાં તૂટતાં રહી ગયો હતો. આફ્રિકી બેટરોએ બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલી ઈનિંગમાં ૧૭ છગ્ગા લગાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં એક ઈનિંગમાં ટીમ દ્વારા લગાવાયેલા ત્રીજા સૌથી વધુ છગ્ગા છે. ભારતના નામે એક ઈનિંગમાં ૧૮ છગ્ગા લગાવવાનો રેકોર્ડ છે.
ટેસ્ટ ક્રિકેટમાં એક ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા લગાવવાનો રેકોર્ડ ન્યુઝીલેન્ડ સામે છે. ન્યુઝીલેન્ડે ૨૦૧૪માં પાકિસ્તાન સામે એક ઈનિંગમાં ૨૨ છગ્ગા લગાવ્યા હતા. તેના ઉપરાંત કોઈ પણ ટીમ એક ઈનિંગમાં ૨૦ અથવા તેનાથી વધુ છગ્ગા લગાવી શકી નથી. જ્યારે ભારત ૧૮ છગ્ગા સાથે બીજા ક્રમે છે. ટીમ ઈન્ડિયાએ આ રેકોર્ડ ૨૦૨૪માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ બનાવ્યો હતો.
સાઉથ આફ્રિકા હવે ૧૭ છગ્ગા સાથે આ લિસ્ટમાં સંયુક્ત રીતે ત્રીજા ક્રમે પહોંચ્યું છે. આફ્રિકી ટીમ સાથે ઑસ્ટે્રલિયા ત્રીજા ક્રમે છે જેણે ૨૦૦૩માં ઝીમ્બાબ્વે વિરુદ્ધ ૧૭ છગ્ગા લગાવ્યા હતા.