ધોની સાથે ૧૫ કરોડની છેતરપિંડી !!
ક્રિકેટ એકેડેમી બનાવવાના નામે મિહિર દિવાકર-સૌમ્યા વિશ્વાસે ધૂંબો મારતાં કોર્ટ કેસ
દિગ્ગજ ક્રિકેટ ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીએ અરકા સ્પોર્ટસ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડના મિહિર દિવાકર અને સૌમ્યા વિશ્વાસ વિરુદ્ધ રાંચીની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. દિવાકરે કથિત રીતે વૈશ્વિક સ્તરની એક ક્રિકેટ એકેડેમી બનાવવા માટે ૨૦૧૭માં ધોની સાથે કરાર કર્યો હતો. જો કે કરારની શરતોનું પાલન કર્યું ન્હોતું જેના કારણે ધોનીએ ૧૫ કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.
કરારમાં અરકા સ્પોર્ટસ ફ્રેન્ચાઈઝી ફીનું ચૂકવણું અને નફાની વહેંચણી કરવા માટે બંધાયેલું હતું પરંતુ આવું બન્યું ન્હોતું. અનેક પ્રયાસો છતાં કરારના નિયમો અને શરતોની અવગણના કરવામાં આવી હતી પરિણામે ધોનીએ ૧૫ ઑગસ્ટ-૨૦૨૧થી અરકા સ્પોર્ટસને અપાયેલા ઓથોરિટી લેટરને રદ્દ કરી નાખ્યો હતો.
આ ઉપરાંત ધોની દ્વારા અરકા સ્પોર્ટસને અનેક વખત નોટિસ મોકલવામાં આવી હતી પરંતુ કોઈ જ જવાબ મળ્યો ન્હોતો. વિધિ એસોસિએટના માધ્યમથી ધોનીનું પ્રતિનિધિત્વ કરનારા દયાનંદ સિંહે દાવો કર્યો કે અરકા સ્પોર્ટસે ધોનીને છેતર્યા છે જેના કારણે ધોનીને ૧૫ કરોડથી વધુનું નુકસાન પહોંચ્યું છે.
ઉલ્લેખનીય છે કે ધોની તાજેતરમાં જ દુબઈમાં નવા વર્ષની ઉજવણી કરીને ઘેર પરત ફર્યો છે. ધોની પોતાના પરિવાર અને મીત્રો સાથે નવા વર્ષનું સ્વાગત કરતા જોવા મળ્યો હતો. યાત્રા દરમિયાન ભારતનો વિકેટકિપર-બેટર ઋષભ પંત પણ ધોની સાથે જોવા મળ્યો હતો. ધોનીએ દુબઈમાં પોતાના મીત્રો અને પરિવાર સાથે નાતાલ પણ ઉજવી હતી.
