૯ વર્ષ બાદ જીત મળી’ને એ પણ સૌથી મોટી
ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડને ટેસ્ટ મેચમાં ૩૪૭ રને હરાવ્યું: ટેસ્ટ ક્રિકેટમાં રનોની દૃષ્ટિએ સૌથી મોટી જીત
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડને ટેસ્ટમાં ક્યારેય ન ભૂલી શકાય તેવો પરાજય આપ્યો છે. નવી મુંબઈના ડી.વાય.પાટિલ સ્ટેડિયમ પર રમાયેલા આ મુકાબલામાં ભારતીય ટીમે ૩૪૭ રને જીત મેળવી છે. આ મહિલા ટેસ્ટ ક્રિકેટમાં રનોની દૃષ્ટિએ સૌથી મોટી જીત પણ છે. ભારતીય ટીમને ૯ વર્ષ બાદ ટેસ્ટ મેચમાં જીત મળી છે. આ દરમિયાન ટીમે બે મેચ રમી હતી જે બન્ને ડ્રો રહી હતી. ભારતીય મહિલા ટીમનો આ ૪૦મો ટેસ્ટ મુકાબલો હતો. અત્યાર સુધી ટીમને ૬ જીત અને ૬ હાર મળી છે જ્યારે ૨૭ મેચ ડ્રો રહી છે.
ઈંગ્લેન્ડની ઈનિંગ એક જ સેશનમાં સંકેલાઈ ગઈ હતી. ભારતીય ટીમે બીજા દિવસે સ્ટમ્પ સુધીમાં ૬ વિકેટે ૧૮૬ રન બનાવી લીધા હતા. ત્રીજા દિવસે ભારતીય ટીમે બેટિંગ ન કરી ઈનિંગ ડિકલેર કરતા ઈંગ્લેન્ડ સામે જીત માટે ૪૭૯ રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જો કે ઈંગ્લેન્ડ ૨૮મી ઓવરમાં ૧૩૧ રને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત માટે સ્પીનર દીપ્તિ શર્માએ ૪ જ્યારે ઑલરાઉન્ડર પૂજા વસ્ત્રાકરે ૩ વિકેટ મેળવી હતી. ઑલરાઉન્ડર દીપ્તિ શર્માને પ્લેયર ઑફ ધ મેચ તરીકે પસંદ કરાઈ હતી. તેણે પહેલી ઈનિંગમાં ૫ વિકેટ અને ફિફટી બનાવી હતી.
ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં ૪૨૮ રન બનાવ્યા હતા જેમાં શુભા સતીષ, જેમિમા રોડ્રિગ્સ, યાસ્તિકા ભાટિયા અને દીપ્તી શર્માની ફિફટી સામેલ હતી. ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ માત્ર ૧૩૬ રને પૂર્ણ થઈ હતી. ભારતે બીજી ઈનિંગમાં ૬ વિકેટે ૧૮૬ રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં હરમનપ્રીત કૌરે અણનમ ૪૪ રન બનાવ્યા હતા. હવે ભારતીય ટીમ ઑસ્ટે્રલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચ રમશે.
- મહિલા ટેસ્ટમાં રનોની દૃષ્ટિએ સૌથી મોટી જીત
- રન મેચ વર્ષ
- ૩૪૭ ભારત-ઈંગ્લેન્ડ ૨૦૨૩-૨૪
- ૩૦૯ શ્રીલંકા-પાકિસ્તાન ૧૯૯૭-૯૮
- ૧૮૮ ન્યુઝીલેન્ડ-આફ્રિકા ૧૯૭૧-૭૨
- ૧૮૬ ઑસ્ટે્રલિયા-ઈંગ્લેન્ડ ૧૯૪૮-૪૯
- ૧૮૫ ઈંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ૧૯૪૮-૪૯
