૯૨ વર્ષ, ૧૮ પ્રયાસ બાદ ન્યુઝીલેન્ડે ટેસ્ટમાં આફ્રિકાનો કર્યો `વ્હાઈટ વોશ’
વિલિયમસને બેટથી તો વિલિયમે દડાથી કરી કમાલ
ટીમ સાઉધીની આગેવાનીવાળી ન્યુઝીલેન્ડની ટીમે આફ્રિકાને બીજી ટેસ્ટમાં ૭ વિકેટે હરાવીને ઈતિહાસ રચી દીધો છે. ન્યુઝીલેન્ડે આ શ્રેણીમાં આફ્રિકાને ૨-૦થી હરાવી પહેલી વખત ટેસ્ટ શ્રેણી પોતાના નામે કરી છે. ન્યુઝીલેન્ડે આફ્રિકા વિરુદ્ધ ૯૨ વર્ષમાં ૧૮ પ્રયાસ બાદ આ જીત મેળવી છે. કેન વિલિયમસન અને વિલિયમ ઓ’રુર્કે ન્યુઝીલેન્ડની જીતના હિરો રહ્યા હતા. વિલિયમે બન્ને ઈનિંગમાં ૯ વિકેટ મેળવી જ્યારે વિલિયમસને બીજી ઈનિંગમાં ૧૩૩ રનની અણનમ ઈનિંગ રમી હતી.
હૈમિલ્ટનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડને જીત માટે ૨૬૭ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. આફ્રિકા વિરુદ્ધ અગાઉ ન્યુઝીલેન્ડ ટીમે એક પણ વખત ૨૦૦થી વધુ રનોના લક્ષ્યાંકનો સફળતાપૂર્વક પીછો કર્યો ન્હોતો જો કે આ વખતે તેણે આ રેકોર્ડ પણ તોડ્યો છે. ન્યુઝીલેન્ડની આ ૨૫૦થી વધુ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ચોથી જીત છે. ન્યુઝીલેન્ડ ટીમ પહેલી વખત બાંગ્લાદેશ વિરુદ્ધ તો બે વખત પાકિસ્તાન વિરુદ્ધ આ કારનામું કરી ચૂકી છે.