૩.૨ ઓવર, ૦ રન, ૭ વિકેટ: ટી-૨૦ ઈન્ટરનેશનલમાં બન્યો સૌથી મોટો રેકોર્ડ
ઈન્ડોનેશિયન બોલરે હરિફ ટીમના બેટરોને શ્વાસ જ ન લેવા દીધો
૧૫૨ રનના જવાબમાં મોંગોલિયા માત્ર ૨૪ રન જ બનાવી શક્યું
ઈન્ડોનેશિયાના બાલીમાં રમાયેલા આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મુકાબલામાં એક જોરદાર રેકોર્ડ બન્યો હતો. ઈન્ડોનેશિયાની ૧૭ વર્ષીય ઑફ સ્પીનરે પોતાની ફિરકીથી હરિફ મોંગોલિયન ટીમને મસળી નાખી હતી. રોહમાલિયાએ પોતાના ડેબ્યુ મુકાબલામાં જ કમાલ કરી ઈતિહાસ રચી દીધો છે. આ મુકાબલામાં ઈન્ડોનેશિયાએ પહેલાં બેટિંગ કરી અને ૨૦ ઓવરમાં ૫ વિકેટના ભોગે ૧૫૧ રન બનાવ્યા હતા. આ રોહમાલિયાની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ હતી જેમાં તેના બેટમાંથી ૧૩ રન નીકળ્યાહતા. જો કે રોહમાલિયાનું અસલ યોગદાન બોલિંગમાં રહ્યું હતું.
તેણે ૩.૨ ઓવર બોલિંગ કરી હતી જેમાં એક પણ રન આપ્યો ન્હોતો અને સાત વિકેટ મેળવી હતી. આ મહિલા ટી-૨૦ ઈન્ટરનેશનલમાં ડેબ્યુ કરનાર કોઈ પણ બોલરનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.
મોંગોલિયાની ટીમ માત્ર ૨૪ રન જ બનાવી શકી હતી અને ૧૨૭ રને મુકાબલો હારી ગઈ હતી. આ પછીની મેચમાં રોહમાલિયાએ ૩ ઓવરમાં માત્ર ૯ રન જ આપ્યા હતા. જો કે વિકેટ મેળવી શકી ન્હોતી. છ મેચની ટી-૨૦ શ્રેણીને ઈન્ડોનેશિયાની ટીમે ૬-૦થી જીતી હતી.
