૩૦ દડા રમું એટલે પીઠ જકડાઈ જાય છે !
રાજકોટ ટેસ્ટમાંથી બહાર થઈ શકે શ્રેયસ અય્યર
ભારતીય ટીમ એક અજબ-ગજબ પરેશાની સામે ઝઝૂમી રહી છે. પહેલાં કોહલી પ્રથમ બે ટેસ્ટમાંથી બહાર થયા બાદ હજુ સુધી તે બાકીની ત્રણ ટેસ્ટ મેચ રમશે કે નહીં તેના પર કોઈ નિર્ણય લેવાયો તો રાહુલ અને રવીન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થઈ ગયા છે ત્યારે હવે મીડલ ઑર્ડર બેટર શ્રેયસ અય્યર ઈજાને કારણે ઈંગ્લેન્ડ સામે બાકીની ત્રણ ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે.
અહેવાલો પ્રમાણે શ્રેયસ અય્યરને પીઠમાં અસહ્ય દુ:ખાવો શરૂ થઈ ગયો છે જેની સારવાર માટે તેને બેંગ્લોર મોકલવામાં આવશે. ત્રીજી ટેસ્ટ માટે આખી ટીમ વિશાખાપટ્ટનમથી બ્રેક પર ચાલી ગઈ હતી અને હવે તમામ ખેલાડીઓ સીધા રાજકોટ પહોંચશે. એક સૂત્રએ જણાવ્યું કે અય્યરે ભારતીય ટીમ મેનેજમેન્ટ અને મેડિકલ સ્ટાફને વાકેફ કરી દીધો છે કે ૩૦થી વધુ દડા રમ્યા બાદ તેની પીઠમાં દુ:ખાવો શરૂ થઈ જાય છે !
અય્યરની સર્જરી બાદ તે પહેલી વખત આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે એટલા માટે તેને થોડા સપ્તાહ સુધી આરામની સલાહ અપાઈ છે. અય્યરે હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમમાં રમાયેલી બે ટેસ્ટમાં ૩૫, ૧૩, ૨૭, ૨૯ રન બનાવ્યા હતા. તેના આ ખરાબ પ્રદર્શનની ટીકા પણ થઈ રહી હતી.