હું ઘણો બદલાઈ ગયો છું: રણજી ટ્રોફી વિવાદ અંગે પહેલીવાર ઈશાને મૌન તોડ્યું
રમતમાંથી બ્રેક લઈને મારા માટે સમય કાઢ્યો તો લોકો તરેહ તરેહની વાતો કરવા લાગ્યા
આઈપીએલ-૨૦૨૪ની ૨૫મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે બેંગ્લોરને સાત વિકેટે પરાજિત કર્યું હતું. આ મેચમાં ઈશાન કિશને ધમાકેદાર બેટિંગ કરી હતી. મેચ બાદ મીડિયા સાથે વાત કરતાં ઈશાને આઈપીએલ શરૂ થયાના થોડા સપ્તાહ પહેલાંના વિવાદો પરથી પડદો ઉંચક્યો છે. ઈશાનને બીસીસીઆઈએ કેન્દ્રીય કરારમાંથી હટાવ્યો હતો. સાથે જ બીસીસીઆઈની ચેતવણી છતા તે રણજી ટ્રોફી રમ્યો ન્હોતો. આવામાં ભારતીય ટીમમાં તેનું ભવિષ્ય સવાલોથી ભરપૂર થઈ ગયું હતું.
આ વિવાદ અંગે ઈશાન કિશને કહ્યું કે હું પ્રેક્ટિસ કરી રહ્યો હતો. જ્યારે મેં રમતમાંથી મારા માટે થોડો સમય કાઢ્યો તો લોકો તરેહ તરેહની વાતો કરવા લાગ્યા હતા. સોશ્યલ મીડિયા પર અનેક પ્રકારની વાતો થઈ પરંતુ તમારે એ પણ સમજવું જોઈએ કે ઘણી બધી વસ્તુ ખેલાડીના હાથમાં નથી હોતી.
બ્રેક દરમિયાન ઈશાનની માનસિક્તામાં મોટો ફેરફાર થયો છે. તેણે રમત પ્રત્યે પોતાના દૃષ્ટિકોણમાં ફેરફાર કર્યો છે. ઈશાને કહ્યું કે હું માત્ર એક વસ્તુ કરી શકતો હતો અને તે છે સમયનો ઉપયોગ. હું પહેલાં બે ઓવરમાં ક્યારેય બોલને છોડતો ન્હોતો પછી બોલર ભલે ગમે એટલી સારી બોલિંગ કરતો હોય…! હવે સમય સાથે મેં શીખ્યું છે કે ૨૦ ઓવરની મેચ પણ મોટી હોય છે. તમે તમારા માટે સમય લઈને આગળ વધી શકો છો. ભલે તમે મેચ હારી ગયા હોય પરંતુ એક ટીમના રૂપમાં રમવું જોઈએ. મારા અંદર ફેરફાર આવ્યો છે કે જેમ કે હું પ્રદર્શન ન કરી રહ્યો હોવ તો જે ખેલાડી સારું રમતો હોય તેની સાથે વાત કરી શકું છું.