હાર્દિક-કૃણાલ પંડ્યાને સાવકા ભાઈએ માર્યો ૪.૩૦ કરોડનો ધૂંબો
વૈભવ પંડ્યાની ધરપકડ: પૉલિમર કંપની શરૂ કરી તેમાં થયેલો નફો ચાંઉ કરી ગયો
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અને લખનૌ સુપર જાયન્ટસના ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યાને કરોડો રૂપિયાનો ચૂનો લાગ્યો છે. આ ચૂનો તેને પોતાના જ સાવકા ભાઈ વૈભવ પંડ્યાએ લગાવ્યો છે ! આ ઘટના પ્રકાશમાં આવતાં જ મુંબઈની આર્થિક ગુના નિવારણ શાખા (ઈઓડબલ્યુ)એ વૈભવની ધરપકડ કરી છે. બીજી બાજુ હાર્દિક-કૃણાલ અત્યારે આઈપીએલમાં પોતપોતાની ટીમ વતી રમી રહ્યા છે.
વૈભવે ૨૦૨૧માં પંડ્યા બ્રધર્સ (હાર્દિક-કૃણાલ) સાથે મળીને પૉલિમર બિઝનેસની એક કંપની શરૂ કરી હતી. આ કંપનીમાં હાર્દિક-કૃણાલની ભાગીદારી ૪૦-૪૦% જ્યારે વૈભવીની ૨૦% હતી. ભાગીદારીની શરત પ્રમાણે આ કંપનીમાંથી થનારો નફો હાર્દિક, કૃણાલ અને વૈભવમાં ભાગીદારીના હિસાબથી વહેંચવાની હતી પરંતુ વૈભવે આવું કરવાની જગ્યાએ નફાના પૈસા હાર્દિક અને કૃણાલને આપવાની જગ્યાએ એક અલગ કંપની બનાવીને તેમાં ટ્રાન્સફર કરી દીધા હતા.
આ કારણથી હાર્દિક-કૃણાલને ૪.૩૦ કરોડનું નુકસાન થયું છે. ફરિયાદના આધારે ઈકોનોમિક ઑફેન્સ વિંગે વૈભવ પંડ્યાની ધરપકડ કરી છે. આરોપી વૈભવને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયો છે.
જાણકારી પ્રમાણે વૈભવ પંડ્યાએ પોતાના ભાઈઓને અંધારામાં રાખીને આ કારસ્તાન કર્યું છે. આ રીતે તેણે બિઝનેસ સમજૂતિનું પણ ઉલ્લંઘન કર્યું છે. વૈભવે કોઈને ખબર ન પડે તે રીતે પોતાની ભાગીદારી ૨૦%માંથી વધારી ૩૩.૩% કરી નાખી હતી !