હાર્દિકનો વિરોધ ન કરો: રોહિતે ચાલું મેચે દર્શકોને કરી અપીલ
મુંબઈના હોમગ્રાઉન્ડ વાનખેડેમાં હાર્દિકનો હુરિયો બોલાવતાં દર્શકોને શાંત પાડતી રોહિતની તસવીર વાયરલ
હાર્દિક પંડ્યા માટે આઈપીએલની ૧૭મી સીઝન દુ:સ્વપ્ન સમાન બની ગઈ છે. એક બાજુ મુંબઈ સળંગ ત્રણ મેચ હાર્યું છે સાથે સાથે વાનખેડે સ્ટેડિયમમાં દર્શકો સતત હાર્દિકના વિરોધમાં હુરિયો બોલાવી રહ્યા છે. આવું જ કંઈક ફરી જોવા મળ્યું હતું. રાજસ્થાન સામેની મેચમાં દર્શકો હાર્દિકના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવા લાગતાં પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ સ્થિતિ સંભાળવી પડી હતી અને બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ દરમિયાન તેણે દર્શકોને હાર્દિક વિરુદ્ધ સૂત્રોચ્ચાર ન કરવા અપીલ કરીને શાંત પાડ્યા હતા.
હાર્દિક લાંબા સમય સુધી મુંબઈ ઈન્ડિયન્સ વતી રમી ચૂક્યો છે. તેણે પોતાના કરિયરની શરૂઆત આ ટીમ સાથે જ કરી હતી પરંતુ ૨૦૨૨ની સીઝન માટે થયેલા મેગા ઑક્શનમાં હાર્દિકને ગુજરાત ટાઈટન્સે પોતાની ટીમમાં સામેલ કરીને કેપ્ટન બનાવ્યો હતો. હાર્દિક ગુજરાત સાથે બે વર્ષ સુધી રહ્યો હતો અને એક વખત ટીમ ચેમ્પિયન તો બીજી વખત રનર્સ અપ રહી હતી. જો કે ૧૭મી સીઝનની હરાજી પહેલાં જ મુંબઈએ હાર્દિકને ગુજરાતમાંથી ટે્રડ કર્યો હતો જેના કારણે હાર્દિકની બીજી વખત ટીમમાં વાપસી થઈ હતી પરંતુ હાર્દિકને કેપ્ટન બનાવાતાં જ વાત બગડી હતી. આ નિર્ણયથી દર્શકો આશ્ચર્યચકિત રહી ગયા હતા. રોહિતના ચાહકો આ નિર્ણયથી નાખૂશ હતા.
મુંબઈના ઘરેલું મેદાન ઉપર પણ હાર્દિક હુટિંગથી બચી શક્યો ન્હોતો પરંતુ તેને પોતાના પૂર્વ કેપ્ટન રોહિતનો બખૂબી સાથ મળ્યો હતો. રાજસ્થાનની બેટિંગ દરમિયાન ફિલ્ડિંગ કરવા આવેલા રોહિતે દર્શકોને હાર્દિકનો વિરોધ ન કરવા અપીલ કરી હતી. આ અંગેની તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં રોહિત હાથ હલાવીને વિરોધ ન કરવા કહી રહ્યો છે.
૩…૨…૧: હાર્દિક પંડ્યાને હટાવાનું કાઉન્ટ ડાઉન શરૂ ?
મુંબઈ ઈન્ડિયન્સના સતત ખરાબ પ્રદર્શનને કારણે હાર્દિકને કેપ્ટનપદેથી હટાવવાની તૈયારી થઈ ગયાનો દાવો પૂર્વ ક્રિકેટર મનોજ તીવારીએ કર્યો છે. તીવારીએ કહ્યું કે મુંબઈની કમાન ફરી રોહિત શર્માને જ સોંપાઈ શકે છે. હાર્દિકને કેપ્ટન બનાવવાનો નિર્ણય જ ખોટો છે કેમ કે રોહિતે ટીમને પાંચ વખત ચેમ્પિયન બનાવી છે.