હાર્દિકની બોલિંગથી કોચ મોર્કલ નાખૂશ
સ્ટમ્પની એકદમ નજીકથી બોલિંગ ફેંકી રહ્યો હોય `સુધારો’ કરવા ટકોર
ભારત-બાંગ્લાદેશ વચ્ચે આવતીકાલથી ત્રણ મેચની ટી-૨૦ શ્રેણી શરૂ થઈ રહી છે. આ શ્રેણી માટે ટીમ સખ્ત મહેનત કરી રહી છે. નવો બોલિંગ કોચ મોર્ને મોર્કલ બોલરો ઉપર સતત નજર રાખી રહ્યો છે. પ્રેક્ટિસ સેશનમાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ બોલિંગ પ્રેક્ટિસ કરી હતી. જો કે મોર્કલ હાર્દિકની બોલિંગથી બિલકુલ નાખુશ જોવા મળ્યો હતો. તેણે હાર્દિક સાથે બોલિંગમાં સુધારો કરવા માટે લાંબી ચર્ચા પણ કરી હતી. હાર્દિક સ્ટમ્પની અત્યંત નજીકથી બોલિંગ કરી રહ્યો હતો જેના કારણે મોર્કલ નાખૂશ હતો. ગ્વાલિયરમાં નેટ સેશન દરમિયાન મોર્કલ હાર્દિકના રન-અપ ઉપર ધ્યાન રાખી રહ્યો હતો.
આ અંગે તેણે હાર્દિકને કશુંક કહ્યું પણ હતું. વધુ નહીં બોલવા માટે જાણીતા મોર્કલને હાર્દિકના કાનમાં કશુંક કહેતો જોવાયો હતો. મોર્કલે કથિત રીતે હાર્દિકને રિલિઝ પોઈન્ટ ઉપર કામ કરવા કહ્યું હતું. હાર્દિકની બોલિંગને જોયા બાદ મોર્કલે પોતાનું ધ્યાન ડાબી બાજુના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને યુવા હર્ષિત રાણા ઉપર કેન્દ્રીત કરી દીધું હતું. મયંકની પહેલી વખત ભારતીય ટીમમાં પસંદગી થઈ છે. મયંક પાસે સળંગ ૧૫૦+ની સ્પીડથી બોલિંગ ફેંકવાની ક્ષમતા છે.