હાય રે કિસ્મત ! કાઉન્ટીના ડેબ્યુમાં બાઉન્સરને ન ખમી શક્યો પૃથ્વી શૉ’ને થયો હિટવિકેટ
અજીબોગરીબ રીતે આઉટ થયાનો વીડિયો વાયરલ
નવીદિલ્હી, તા.5
અજિંક્ય રહાણે અને ચેતેશ્ર્વર પુજારાને પગલે ટીમ ઈન્ડિયાના યુવા ઑપનર પૃથ્વી શૉએ કાઉન્ટી ક્રિકેટની વાટ પકડી છે. પૃથ્વી ખરાબ ફોર્મને કારણે ટીમ ઈન્ડિયાથી બહાર ચાલી રહ્યો છે. પુજારા અને રહાણે જેવા સીનિયર ખેલાડીઓએ પણ કાઉન્ટીમાં સારું પ્રદર્શન કરી પોતાનું ફોર્મ હાંસલ કર્યું છે. જો કે કાઉન્ટીમાં પૃથ્વી શૉનું ડેબ્યુ કંઈ ખાસ રહ્યું નથી.
નોર્થહેમ્પટનશાયર માટે પોતાની પહેલી મેચમાં મેદાન પર ઉતરેલો પૃથ્વી અજીબોગરીબ પ્રકારે આઉટ થયો જેના કારણે તેનો વીડિયો સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. નોર્થહૈમ્પટનશાયર માટે પૃથ્વી શૉ જ્યારે બેટિંગ માટે મેદાન પર ઉતર્યો ત્યારે શરૂઆતમાં તે સારી રમત રમી રહ્યો હતો પરંતુ પૉલ વૈન મીકરનના એક ખતરનાક બાઉન્સરને તે ખમી શક્યો ન્હોતો.
મીકરને પૃથ્વીને ઈનિંગની 16મી ઓવરમાં એક એવો ખતરનાક બાઉન્સર ફેંક્યો જેના કારણે તે પોતાનું સંતુલન ગુમાવી બેઠો. આ પછી તેણે ડગમગીને પોતાનું બેલેન્સ ગુમાવતાં જ સ્ટમ્પ સાથે તેનું બેટ અથડાઈ ગયું હતું. આ રીતે તે પોતાની ડેબ્યુ મેચમાં 34 રન બનાવીને હિટવિકેટ થયો હતો.
જો કે આ પહેલાં પૃથ્વીએ વૉર્મ અપ મેચમાં સારી બેટિંગ કરી હતી. તેણે માત્ર 39 બોલમાં 65 રનની ઈનિંગ રમી હતી પરંતુ ડેબ્યુ મેચમાં તે જે પ્રકારે આઉટ થયો તેને તે ક્યારેય ભૂલી શકશે નહીં.