સુપર-૮: વિન્ડિઝની ધોલાઈ કરી મુકાબલો જીતતું ઈંગ્લેન્ડ
૧૮૧ રનના લક્ષ્યાંકને ૧૭.૩ ઓવરમાં કર્યો હાંસલ: ફિલ સોલ્ટે ૪૭ દડામાં ૮૭ તો બેરિસ્ટોએ ૨૬ દડામાં ઝૂડ્યા ૪૮ રન
ચેમ્પિયન ઈંગ્લેન્ડે ટી-૨૦ વર્લ્ડકપ સુપર-૮ના પોતાના પ્રથમ મુકાબલામાં વેસ્ટ ઈન્ડિઝને ૮ વિકેટે પરાજિત કર્યું હતું. વિન્ડિઝ ટીમે પહેલાં બેટિંગ કરતાં ચાર વિકેટના ભોગે ૧૮૦ રન બનાવ્યા પરંતુ ઈંગ્લેન્ડે ૧૭.૩ ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવી ૧૮૧ રન બનાવી લીધા હતા. ફિલ સોલ્ટે પોતાની આક્રમક ઈનિંગમાં સાત ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા તો જોની બેરિસ્ટોએ ૨૬ દડામાં અણનમ ૪૮ રન બનાવ્યા જેમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા.
વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત પણ ઝડપી રહી હતી. બ્રેન્ડન કિંગ અને જોન્સન ચાર્લ્સે પાંચમી ઓવર સુધી વિનાવિકેટે ૪૦ રન બનાવ્યા હતા. બ્રેન્ડન કિંગ ઈજાગ્રસ્ત થતાં તેના સ્થશને પૂરન આવ્યો હતો અને તેણે પાવરપ્લેમાં સ્કોરને ૫૪ રન સુધી પહોંચાડ્યો હતો. પૂરને આઠમી ઓવરમાં માર્ક વૂડને છગ્ગો લગાવ્યો પરંતુ ત્યારબાદ ઈંગ્લીશ બોલરોએ વાપસી કરી હતી.
ચાર્લ્સે રાશિદની ઓવરમાં છગ્ગો લગાવ્યો પરંતુ ત્યારબાદ આગલી ઓવરમાં મોઈન અલીએ તેને લોંગ ઓન પર હૈરી બ્રુકના હાથે કેચઆઉટ કર્યો હતો. ચાર્લ્સે ૩૮ રન બનાવ્યા હતા. કેપ્ટન રોવમેન પૉવેલે ઑફ સ્પિનર મોઈન અલીને છગ્ગો લગાવ્યો અને લિયામ લિવિંગસ્ટોનની બોલિંગમાં ત્રણ છગ્ગા લગાવ્યા હતા. જો કે પોતાની ઓવરના અંતિમ દડે લિવિંગસ્ટોને તેને આઉટ પણ કર્યો હતો. પોવેલે ૧૭ દડામાં ૩૬ રન બનાવ્યા હતા. જ્યારે આર્ચરે પૂરનને આઉટ કર્યો હતો. અંતમાં શેરફેન રધરફોર્ડે ૧૫ દડામાં અણનમ ૨૮ રન બનાવ્યા હતા.