વિનેશ ફોગાટ કોંગ્રેસમાં જોડાઈ: સરકારી નોકરીને કહ્યું અલવિદા
વર્ષે ૧૫થી ૧૭ લાખ રૂપિયા પગાર મળતો’તો: હવે કોંગ્રેસની ટિકિટ પર હરિયાણાની ચૂંટણીમાં ઝંપલાવશે
મલ્લિકાર્જુન ખડગે-કે.સી.વેણુગોપાલની હાજરીમાં વિનેશ અને બજરંગે પકડ્યો કોંગ્રેસનો હાથ'
ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટ વાજતે-ગાજતે કોંગ્રેસમાં જોડાઈ ચૂકી છે. તેણે રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે તેમજ સીનિયર નેતા કે.સી.વેણુગોપાલની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. વિનેશ ઉપરાંત બજરંગ પુનિયા પણ કોંગ્રેસમાં જોડાઈ ગયો હતો અને હવે બન્ને હરિયાણાની ચૂંટણીમાં કોંગ્રેસના
હાથ’ પર મેદાનમાં ઉતરશે. બીજી બાજુ વિનેશ ફોગાટે મોટો નિર્ણય લેતાં સરકારી નોકરીને અલવિદા કહી દીધું હતું. તેણે સોશ્યલ મીડિયા પર પોતાનું રાજીનામું પોસ્ટ કર્યું હતું. વિનેશ ફોગાટ નોર્ધન રેલવેમાં નોકરી કરતી હતી. તે ઓફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટીના પદ પર તૈનાત હતી. વિનેશે રેલવેની નોકરી છોડતાં લખ્યું કે ભારતીય રેલવેની સેવા મારા જીવનની એક યાદગાર ક્ષણ રહી હતી.
જાણવા મળ્યા પ્રમાણે વિનેશને રેલવેની નોકરી દરમિયાન વાર્ષિક ૧૫થી ૧૭ લાખ રૂપિયા પગાર મળતો હતો. વિનેશ ફોગાટ કોંગ્રેસમાં જોડાઈ ચૂકી હોવાથી હવે તે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે.
ઉલ્લેખનીય છે કે વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં કમાલનું પ્રદર્શન કર્યું હતું. તે કુશ્તીની ૫૦ કિલોગ્રામ કેટેગરીના ફાઈનલમાં પહોંચી હતી પરંતુ ૧૦૦ ગ્રામ વજન વધુ હોવાને કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ જ કારણથી તે ઓલિમ્પિક મેડલ જીતી શકી ન્હોતી.