વાહ ! ૨ વર્ષની અંદર ભારતમાં મહિલા ફૂટબોલરની સંખ્યામાં ૧૩૮%નો વધારો
પુરુષ ફૂટબોલરની સંખ્યા અત્યારે ૨,૨૦,૫૧૫
ભારતમાં અંદાજે ૨૮,૦૦૦ મહિલાઓએ ફૂટબોલમાં પોતાનું કરિયર બનાવ્યું છે. આ સંખ્યા હજુ ઓછી જરૂર છે કેમ કે પુરુષ ફૂટબોલરની સંખ્યા ૨,૨૦,૫૧૫ છે. જો કે શુભ શરૂઆત હંમેશા નાના પાયેથી જ થાય છે એટલા માટે ૨૭૯૩૯ મહિલાઓનું અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ (એઆઈએફએફ)માં રજિસ્ટર થવું બહુ મોટી વાત છે. બે વર્ષમાં મહિલા ફૂટબોલ ખેલાડીઓની સંખ્યામાં ૧૩૮%નો વધારો થયો છે કેમ કે ૨૦૨૨માં મહાસંઘ પાસે માત્ર ૧૧,૭૨૪ મહિલા ખેલાડી જ નોંધાયેલી હતી.
ભારતીય મહિલા ફૂટબોલ ખેલાડીઓને પુરુષ ખેલાડીઓ અથવા તો વિદેશી ખેલાડીઓ જેટલા પૈસા અને નામ મળતા નથી આમ છતાં ફીફાની રેન્કીંગમાં ભારતીય મહિલા ટીમ ૬૬મા નંબરે છે જ્યારે પુરુષ ટીમ ૧૨૧મા ક્રમે છે. ભારતીય મહિલા ટીમની પાંચ ખેલાડી માનુષા કલ્યાણ, જ્યોતિ ચૌહાણ, એમ.કે.કશ્મીના, કિરણ પિસ્દા અને ઈ-પાન્થોઈ વિદેશની જાણીતી લીગમાં અત્યારે રમી રહી છે.
ફૂટબોલ નિષ્ણાતોને લાગી રહ્યું ચે કે પુરુષ ટીમના મુકાબલે મહિલા ટીમનું વિશ્વ કપમાં ક્વોલિફાય થવાની શક્યતા વધુ છે. તેમનું કહેવું છે કે ફૂટબોલ મહાસંઘે મહિલા ફૂટબોલરોને વધુ સહયોગ આપવો જોઈએ અને આવું થઈ પણ રહ્યું છે. મહાસંઘ મહિલા ફૂટબોલ ટીમને વધુમાં વધુ મેચ રમાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ માટે ભારતીય સ્પોર્ટસ ઓથોરિટી પાસે ટે્રનિંગ અને ટૂર્નામેન્ટ માટે વાર્ષિક બજેટની માંગ કરવામાં આવી છે. એક ટૂર્નામેન્ટ અત્યારે ચૂંટણીને કારણે અટકી ગઈ છે.