વર્લ્ડકપ ટીમ પસંદગી માટે બેઠક મળ્યાની વાત ખોટી: રોહિત શર્મા
હું અત્યારે આઈપીએલમાં, અજીત અગરકર દુબઈમાં ગોલ્ફ રમવામાં અને દ્રવિડ બેંગ્લોરમાં બાળકો સાથે વ્યસ્ત છે ત્યારે અમારા વચ્ચે બેઠક કઈ રીતે મળી શકે ?
ટીમને લઈને જે જે અહેવાલો વહેતા થયા છે તે તમામ ફેક છે
અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં ૧ જૂનથી શરૂ થનારા ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ માટે દરેક ટીમે ૧ મે પહેલાં પોતપોતાની ટીમની જાહેરાત કરવાની છે. આવામાં લગભગ બધાની નજર ભારતીય ટીમ પર રહેલી છે. બીસીસીઆઈ આ મહિનાના અંત સુધીમાં ભારતીય ટીમનું એલાન કરશે પરંતુ તેના પહેલાં પસંદગીને લઈને મળી રહેલી બેઠકો અંગે તરેહ તરેહની વાતો સામે આવી રહી છે. જો કે ટીમઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ તમામ અહેવાલોને પાયાવિહોણા ગણાવતાં કહ્યું છે કે જ્યાં સુધી તમે મારી પાસેથી, રાહુલભાઈ
(રાહુલ દ્રવિડ) અથવા અજીતભાઈ (અજીત અગરકર) પાસેથી ન સાંભળો ત્યાં સુધી બધા સમાચારો નકલી છે.
અમારા વચ્ચે હજુ કોઈ બેઠક થઈ નથી. અજીત અગરકર દુબઈમાં ક્યાંક ગોલ્ફ રમી રહ્યા છે અને રાહુલ દ્રવિડ બેંગ્લોરમાં પોતાના બાળકો સાથે રમી રહ્યા છે. ઈમાનદારીથી કહું તો અમે મળ્યા જ નથી.
ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈએ ટીમની જાહેરાત કરતાં પહેલાં જ રોહિત શર્માને ટીમનો કેપ્ટન જાહેર કર્યો છે. બીજી બાજુ હાર્દિક પંડ્યાને ટીમનો વાઈસ કેપ્ટન બનાવ્યો છે. સ્ટાર બેટર વિરાટ કોહલીના રમવા પર હજુ પણ અનિશ્ચિતતા છે. ક્રિકેટ નિષ્ણાતોનો મત છે કે જો કોહલીની પસંદગી થાય છે તો તેણે રોહિત સાથે ઈનિંગની શરૂઆત કરવી જોઈએ. આવામાં શુભમન ગીલ અને યશસ્વી જયસ્વાલ જેવા યુવા ખેલાડીઓનું પત્તું કપાઈ શકે છે.