વન-ડે બાદ ટી-૨૦ વર્લ્ડકપમાંથી પણ ઝીમ્બાબ્વેનું પત્તું કપાયું, યુગાન્ડા ક્વોલિફાય
વૉઈસ ઑફ ડે, નવીદિલ્હી
આઈસીસી પુરુષ ટી-૨૦ વર્લ્ડકપ ક્વોલિફાયરમાં રવાન્ડા વિરુદ્ધ ૯ વિકેટે જીત મેળવીને યુગાન્ડાએ અમેરિકા-વેસ્ટ ઈન્ડિઝની ટિકિટ પાક્કી કરી લીધી છે. ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૪ અમેરિકા અને વિન્ડિઝની યજમાનીમાં આવતાં વર્ષે જૂનમાં રમાવાનો છે. અગાઉ નામીબિયાએ ટી-૨૦ વર્લ્ડકપ માટે ક્વોલિફાય કરી લીધું હતું. યુગાન્ડાની એન્ટ્રીથી ઝીમ્બાબ્વેનું સ્વપ્ન તૂટી ગયું છે અને હવે તે ટી-૨૦ વર્લ્ડકપમાં રમી શકશે નહીં.
ઝીમ્બાબ્વેએ ૨૦૨૨ ટી-૨૦ વર્લ્ડકપમાં ત્રણ મેચમાં જીત મેળવી હતી જેમાં પાકિસ્તાન વિરુદ્ધ મળેલી ૧ રનની જીત પણ ચર્ચાસ્પદ રહી હતી. આઈસીસી પુરુષ ટી-૨૦ વર્લ્ડકપ આફ્રિકા રીઝન ક્વોલિફાયરમાં સાત ટીમોએ ભાગ લીધો હતો જેમાંથી ટોપ-૨ ટીમ ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૪માં રમવા ઉતરશે. યુગાન્ડાએ પોતાની છ મેચમાંથી પાંચમાં જીત મેળવી અને વર્લ્ડકપની ટિકિટ પાક્કી કરી લીધી છે. યુગાન્ડાએ એકમાત્ર હાર નામીબિયા વિરુદ્ધ હાર ખમવી પડી હતી.