રાજકોટમાં અશ્વિનનો ૫૦૦મો શિકાર કોણ ?
૫૦૦ ટેસ્ટ વિકેટના જાદૂઈ આંકથી માત્ર એક વિકેટનું છેટું: એક વિકેટ મળશે એટલે તે ૫૦૦ વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બનશે
ભારતના સ્ટાર સ્પીનર આર.અશ્વિન ઈંગ્લેન્ડ વિરુદ્ધ ૧૫ ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાનારી શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચમાં મોટી ઉપલબ્ધી હાંસલ કરી શકે છે. અશ્વિન ૫૦૦ ટેસ્ટ વિકેટના જાદૂઈ આંકથી માત્ર એક વિકેટ દૂર છે. અશ્વિન આ શ્રેણીમાં ઈંગ્લેન્ડની ૯ વિકેટ ખેડવી ચૂક્યો છે. હવે રાજકોટમાં તેનો ૫૦૦મો શિકાર કોણ બને છે તે જોવું રસપ્રદ બની રહેશે.
અશ્વિને ૯૭ ટેસ્ટ મેચમાં ૪૯૯ વિકેટ મેળવી છે. જો તે રાજકોટમાં એક વિકેટ મેળવી લેશે તો તે ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦ અથવા તેનાથી વધુ વિકેટ લેનારો બીજો ભારતીય બની જશે. અશ્વિન પહેલાં ભારત વતી અનિલ કુંબલેએ ટેસ્ટમાં ૫૦૦ વિકેટ ખેડવી છે. કુંબલેના નામે ૧૩૨ ટેસ્ટમાં ૬૧૯ વિકેટ છે. ટેસ્ટ ક્રિકેટમાં અત્યારે માત્ર ૮ જ બોલર છે જેઓ ૫૦૦ અથવા તેનાથી વધુ વિકેટ મેળવી શક્યા છે. અશ્વિન એક વિકેટ લેશે એટલે આ યાદીમાં નવમા ક્રમે પહોંચી જશે.
૩૭ વર્ષીય અશ્વિને ૯ મેચમાં પોતાની ૫૦ ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી અને ૧૦૦ વિકેટ સુધી પહોંચવા માટે તેણે ૧૮ ટેસ્ટ મેચ રમી હતી. ૨૯ ટેસ્ટમાં અશ્વિને ૧૫૦ વિકેટ પૂરી કરી હતી તાો ૩૭ ટેસ્ટમાં તેની ૨૦૦ વિકેટ હાંસલ કરી હતી. અશ્વિને ૪૫ મેચમાં ૨૫૦મો ટેસ્ટ શિકાર કર્યો હતો. ૩૦૦ વિકેટ પૂરી કરવામાં તેણે ૫૪ ટેસ્ટ મેચ લીધી હતી. તેણે ૬૬ ટેસ્ટમાં ૩૫૦ વિકેટ અને ૭૭ મેચમાં ૪૦૦ વિકેટ તો ૮૯મી ટેસ્ટમાં ૪૫૦ વિકેટ પૂરી કરી હતી.
અશ્વિન જો ૫૦૦ વિકેટ મેળવી લ્યે છે તો તે મુરલીધરન બાદ ૧૦૦થી ઓછી ટેસ્ટ મેચ રમીને આ ઉપલબ્ધી હાંસલ કરનારો બીજો બોલર બનશે. મુરલીધરને પોતાની ૫૦૦ વિકેટ ૮૭ ટેસ્ટમાં પૂરી કરી હતી.
ધ્રુવ જુરેલનું ડેબ્યુ પાક્કું: બુમરાહ પણ રમશે
વિકેટકિપર-બેટર ધ્રુવ જુરેલ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રાજકોટમાં ટેસ્ટ ડેબ્યુ કરી શકે છે. તે રાજકોટમાં કે.એસ.ભરતની જગ્યા લેશે. પસંદગી સમિતિ ભરતના પ્રદર્શનથી ખુશ નથી એટલા માટે તેને પડતો મુકાઈ શકે છે. જ્યારે બે ટેસ્ટમાં ૧૫ વિકેટ લેનારો બુમરાહ રાજકોટમાં રમશે અને ચોથી ટેસ્ટ મેચમાં તેને આરામ અપાઈ શકે છે.