રણજી ટ્રોફીમાં મુંબઈ ૪૨મી વખત ચેમ્પિયન
વિદર્ભને ૧૬૯ રને હરાવ્યું: અક્ષય વાડેકર-હર્ષ દુબેની લડાયક બેટિંગ પણ જીત ન મળી
ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમ પર રમાયેલી રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં વિદર્ભને હરાવી મુંબઈ રેકોર્ડ ૪૨મી વખત ચેમ્પિયન બન્યું છે. બીજી ઈનિંગમાં મુંબઈએ વિદર્ભને ટ્રોફી જીતવા માટે ૫૩૮ રનનો ભારેભરખમ લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં વિદર્ભ વતી અક્ષય વાડેકરે શાનદાર સદી બનાવી હતી તો હર્ષ દુબેએ ૬૫ રનની ઈનિંગ રમી હતી. જો કે ટીમ ૩૬૮ રને ઢેર થઈ જતાં મુંબઈએ ૧૬૯ રને મેચ જીતી લીધી હતી.
જ્યાં સુધી અક્ષય વાડેકર મેદાન ઉપર ઉભો હતો ત્યાં સુધી લાગતું હતું કે ટીમ ચમત્કાર કરી દેશે પરંતુ આવું બન્યું ન્હોતું. જો કે અજિંક્ય રહાણેએ પોતાના અનુભવની કમાલ બતાવતા પાસું પલટાવી દીધું હતું. મુંબઈ વતી અંતિમ મેચ રમી રહેલા ધવલ કુલકર્ણીએ અંતિમ વિકેટના રૂપમાં ઉમેશ યાદવને આઉટ કરીને મુંબઈ ટીમને રણજી ટ્રોફી-૨૦૨૪નું ચેમ્પિયન બનાવી દીધું હતું.
વિદર્ભને છેલ્લે દિવસે ૨૯૦ રનની જરૂર હતી. મુંબઈને સવારના સેશનમાં અક્ષય વાડેકર અને હર્ષ દુબે વચ્ચે છઠ્ઠી વિકેટ માટે ૧૩૦ રનની ભાગીદારીને કારણે કોઈ વિકેટ મળી ન્હોતી પરંતુ ટી-ટાઈમ પહેલાં વિકેટ પડ્યા બાદ વિદર્ભ પાછળ થઈ ગયું હતું. પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ તનુષ કોટિયને દડાથી શાનદાર પ્રદર્શન કરીને સદી બનાવનાર વાડેકર સહિતની ચાર વિકેટ ખેડવી હતી.
ભારત માટે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં ડેબ્યુ કરનારા સરફરાઝ ખાનના ભાઈ મુશીર ખાને શાનદાર સદી બનાવી અને પછી બોલિંગમાં કમાલ કરતા બે વિકેટ પણ ખેડવી હતી. તેને પ્લેયર ઑફ ધ મેચ પસંદ કરાયો હતો જ્યારે તુષાર દેશપાંડેએ પણ બે અને શમ્સ મુલાની અને ધવલ કુલકર્ણીએ એક-એક વિકેટ ખેડવી હતી. અગાઉ મુંબઈએ પહેલી ઈનિંગમાં ૨૨૪ રન બનાવ્યા હતા જ્યારે વિદર્ભની પહેલી ઈનિંગ ૧૦૫ રને સમેટાઈ ગઈ હતી.