મહિલા ક્રિકેટમાં પહેલી વખત ૩૦૦+ રનનો લક્ષ્યાંક હાંસલ
શ્રીલંકાએ આફ્રિકા સામે બનાવ્યો રેકોર્ડ: ચમારી અથાપથુએ બનાવ્યા અણનમ ૧૯૫ રન: આફ્રિકાની લૉરા વોલ્વાર્ડ્ટની ૧૮૪ રનની ઈનિંગ એળે
અનુભવી ઓપનિંગ બેટર ચમારી અથાપથુએ અણનમ ૧૯૫ રનની શાનદાર ઈનિંગ રમીને વન-ડે રેકોર્ડના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેની વિસ્ફોટક ઈનિંગના દમ પર શ્રીલંકાએ મહિલા વન-ડે ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત મેળવી છે. શ્રીલંકાએ પોટચેફ્સ્ટ્રૂમમાં ૩ મેચની વન-ડે શ્રેણીની અંતિમ મેચમાં આફ્રિકા વિરુદ્ધ માત્ર ૪૪.૩ ઓવરમાં ૩૦૨ રન બનાવીને જીત મેળવી હતી. આવું પહેલી વખત બન્યું છે જ્યારે મહિલા ક્રિકેટમાં કોઈ ટીમે ૩૦૦ અથવા તેનાથી વધુનો લક્ષ્યાંક હાંસલ કર્યો હોય !
અથાપથુએ પોતાની ઈનિંગમાં ૧૩૫ દડાનો સામનો કરીને ૨૯ ચોગ્ગા અને ૫ છગ્ગાની મદદથી ૧૯૫ રન બનાવ્યા હતા. તેણે આફ્રિકાની કેપ્ટન લૉરા વોલ્વાર્ડ્ટની ૧૪૭ દડામાં અણનમ ૧૮૪ રનની મહેનત પર પાણી ફેરવી દીધું હતું. ચમારી અથાપથુના ૧૯૫ રન મહિલા વન-ડેમાં લક્ષ્યાંકનો પીછો કરતા બેટર દ્વારા બનાવાયેલો બીજો સર્વોચ્ચ સ્કોર છે. ચમારીની દમદાર બેટિંગના દમ પર જ શ્રીલંકાએ ૩૦૨ રનનો પડકારજનક સ્કોર હાંસલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે શ્રીલંકાએ ઓસ્ટે્રલિયાના એક દશકાના રેકોર્ડને તોડ્યો છે. ૨૦૧૨માં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ૨૮૯ રનના લક્ષ્યાંકને ઓસ્ટે્રલિયાએ સફળતાથી હાંસલ કર્યો હતો. આ રેકોર્ડ હવે બીજા ક્રમે આવી ગયો છે.