મનુ ભાકરને કેન્દ્ર સરકારે આપ્યું ૩૦ લાખનું ઈનામ
કેન્દ્રીય રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયાએ ચેક અર્પણ કર્યો
ભારતીય શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક-૨૦૨૪માં દેશ માટે પહેલો મેડલ જીત્યો હતો. તેણે દેશને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. ભારતને પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધી ત્રણ મેડલ મળ્યા છે જે ત્રણેય શૂટિંગથી જ આવ્યા છે. મનુ ભાકર પેરિસથી પરત ફરી ચૂકી છે અને તાજેતરમાં જ તેણે રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન મનુને ઈનામ સ્વરૂપે ચેક પણ અપાયો હતો.
ભારતને વિમેન્સ પીસ્તલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ અપાવનારી મનુ ભાકરને ૩૦ લાખ રૂપિયાનો ચેક અપાયો હતો. કેન્દ્રીય રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયાએ મનુને ચેક આપ્યો હતો. તેણે મનુ માટે સોશ્યલ મીડિયા પર પોસ્ટ શેયર કરી હતી. માંડવિયાએ લખ્યું કે પેરિસ ઓલિમ્પિક-૨૦૨૪માં બે બ્રોન્ઝ મેડલ જીતીને સ્વદેશ પરત ફરેલી દેશની દીકરી મનુ ભાકરને આજે મળીને તેને ઐતિહાસિક જીત બદલ શુભકામના આપી હતી.
ઉલ્લેખનીય છે કે મનુ ભાકરે ૧૦ મીટર એર પીસ્તલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી ૧૦ મીટર એર પીસ્તલ મીક્સ્ડ ટીમ ઈવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે ભારતને ત્રીજો બ્રોન્ઝ મેડલ સ્વિપ્નીલે અપાવ્યો હતો.