ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનો ભાવ ૧.૮૬ કરોડ !!
૪૯૭ રૂપિયાથી ભાવ શરૂ જે વધતાં વધતાં બે કરોડની નજીક પહોંચ્યો
ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાય તેની આતૂરતાથી ચાહકો રાહ જોઈને બેઠા હોય છે. આ બન્ને ટીમ વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી રમાતી નથી અને માત્ર આઈસીસી અને એશિયન ક્રિકેટ કાઉન્સીલની ટૂર્નામેન્ટમાં જ આ બન્ને ટીમો સામે આવે છે એટલા માટે આ મેચની ટિકિટ માટે લાવ…લાવ થયા વગર રહેતું નથી. હવે બન્નેટીમો વચ્ચે આગામી ટી-૨૦ વર્લ્ડકપમાં એકબીજાનો સામનો કરશે. ૯ જૂને ન્યુયોર્કમાં બન્ને ટીમો વચ્ચે ટક્કર થવાની છે ત્યારે તેની ટિકિટનો ભાવ અત્યારથી જ આકાશને આંબી ગયો છે.
આમ તો ટિકિટનો સત્તાવાર ભાવ છ ડોલર મતલબ કે ૪૯૭ રૂપિયા છે. જ્યારે ભારત-પાકિસ્તાન મેચ માટે પ્રીમિયમ સીટની કિંમત ટેક્સ વગર ૪૦૦ ડોલર મતલબ કે ૩૩૧૪૮ રૂપિયા છે. જો કે સ્ટબહબ અને સીટગીક જેવા પ્લેટફોર્મ ઉપર ટિકિટનો ભાવ ચક્કર લાવી દે તેવો છે. સત્તાવાર રીતે જે ટિકિટનો ભાવ ૪૦૦ ડોલર છે તેનો ભાવ આ સાઈટ ઉપર ૪૦,૦૦૦ ડોલર મતલબ કે ૩૩ લાખ રૂપિયા છે.
યુએસએ ટુડેના એક અહેવાલ પ્રમાણે સેકેન્ડ્રી માર્કેટમાં સુપર બાઉલ-૫૮ની ટિકિટની કિંમત ૯૦૦૦ ડોલર છે જ્યારે એનબીએ ફાઈનલ માટે કોર્ટસાઈડ સીટની મહત્તમ ૨૪,૦૦૦ ડોલરની મળે છે. પ્લેટફોર્મ સીટગીક ઉપર કિંમતો આકાશને સ્પર્શી રહી છે. ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૪માં ભારત-પાકિસ્તાન મેચ માટે આ સાઈટ પર સૌથી મોંઘી ટિકિટ ૧.૭૫ લાખ ડોલર મતલબ કે ૧.૪ કરોડ રૂપિયા છે અને તેમાં પ્લેટફોર્મ ચાર્જ અને વધારાની ફી જોડવામાં આવે તો આંકડો અંદાજે ૧.૮૬ કરોડે પહોંચી જાય છે !