બોપન્ના-ઈબડેનની જોડી મીયામી ઓપન ટેનિસના ફાઈનલમાં
ભારતના સ્ટાર ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને તેના ઓસ્ટે્રલિયન જોડીદાર મેથ્યુ ઈબડેનની જોડીએ માર્સેલ ગ્રૈનોલર્સ અને હોરાસિયો જેબાલોસ પર સીધા સેટમાં જીત મેળવી મીયામી ઓપનના મેન્સ ડબલ્સ ફાઈનલમાં એન્ટ્રી મેળવી છે. ઓસ્ટે્રલિયન ઓપનના વિજેતા બોપન્ના અને ઈબડેને સેમિફાઈનલમાં સ્પેનના ગૈનોલર્સ અને આર્જેન્ટીનાના જેબાલોસની જોડી સામે ૬-૧, ૬-૪થી જીત મેળવી હતી. ફાઈનલમાં તે ક્રોએશિયાના ઈવાન ડોડિગ અને અમેરિકાના ઑસ્ટિન ક્રાજિસેકની જોડી સામે ટકરાશે જેણે બીજા સેમિફાઈનલમાં જર્મનીના કેવિન ક્રાવેત્ઝ અને ટીમ પુટ્ઝની જોડીને ૬-૪, ૬-૭(૭), ૧૦-૭થી હરાવી હતી.
બોપન્ના દુબઈ ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઈનલમાં મળેલી હાર અને ઈન્ડિયન વેલ્સ માસ્ટર્સના રાઉન્ડ-૩૨માંથી બહાર થવાથી ડબલ રેન્કીંગમાં બીજા સ્થાને પહોંચી ગયો હતો પરંતુ આ જીત મળ્યા બાદ તેને ફરીથી રેન્કીંગમાં ટોચના સ્થાને પહોંચવામાં મદદ મળશે. ઓસ્ટે્રલિયન ઓપનની જીત બાદ ૪૪ વર્ષીય બોપન્ના એટીપી રેન્કીંગમાં ટોચના સ્થાને પહોંચનારો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની જશે.