ફિક્સિંગને કારણે આખી ફ્રેન્ચાઈઝી `આઉટ’ !
૧ જૂલાઈથી લંકા પ્રિમીયર લીગ શરૂ થાય તે પહેલાં દાંબુલા થન્ડર્સને બહાર કરતું ક્રિકેટ બોર્ડ: માલિકની ધરપકડ
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે લંકા પ્રિમીયર લીગ (એલપીએલ)માંથી દાંબુલા થન્ડર્સ ફ્રેન્ચાઈઝીને બહાર કરી દીધી છે. આ ફ્રેન્ચાઈઝીના માલિક તમીમ રહમાનને મેચ ફિક્સિંગની શંકાએ પકડવામાં આવ્યો છે. તમીમ બાંગ્લાદેશી મુળનો બ્રિટીશ નાગરિક છે. તેને અદાલતના આદેશ બાદ શહેરના ભંડારનાયકે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પકડવામાં આવ્યો હતો.
દાંબુલા ફ્રેન્ચાઈઝીને એપ્રિલમાં બાંગ્લાદેશી ઉદ્યોગપતિઓના નેતૃત્વવાળા ઈમ્પિરીયલ સ્પોર્ટસ ગ્રુપે ખરીદી હતી. જો કે તેના ઉપર લાગેલા વાસ્તવિક આરોપ હજુ સુધી સાબિત થયા નથી. લંકા ક્રિકેટ બોર્ડે કહ્યું કે રહમાનના આરોપ સ્પષ્ટ નથી પરંતુ લંકા પ્રિમીયર લીગની અખંડતા અને સુચારુ કામકાજ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. રહમાનની મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજીના પ્રયાસ અંતર્ગત તપાસ ચાલી રહી છે. લંકા પ્રિમીયર લીગ ૧ જૂલાઈથી ૨૧ જૂલાઈ વચ્ચે રમાશે. તાજેતરમાં જ શ્રીલંકાની એક અદાલતે ભારતીય નાગરિકો યોની પટેલ અને પી.આકાશને પોતાના પાસપોર્ટ જમા કરાવવા કહ્યું હતું કેમ કે આ બન્ને પર લેજન્ડ ક્રિકેટ લીગમાં મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો