પહેલાં રણજી ટ્રોફી રમો પછી IPL નહીંતર થશે કાર્યવાહી
કૃણાલ પંડ્યા, દીપક ચાહર, ઈશાન કિશન સહિતના ખેલાડીએ રણજી ટ્રોફીનો બીજો રાઉન્ડ રમવો જ પડશે: આ તમામે તો આઈપીએલની તૈયારી શરૂ કરી દીધી’તી !
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ સીનિયર ખેલાડીઓ રણજી ટ્રોફીમાં ન રમતાં હોવાથી તેમને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. વડોદરાના કૃણાલ પંડ્યા અને રાજસ્થાનના દીપક ચાહર જેવા ખેલાડી પોતાના રાજ્યની ટીમ તરફથી મેચ રમવાની જગ્યાએ આઈપીએલની તૈયારી કરવા પર વધુ ધ્યાન આપી રહ્યા છે.
બીસીસીઆઈએ નેશનલ પસંદગીકારો સાથે ચર્ચા કર્યા બાદ તમામ ખેલાડીઓને ઈ-મેઈલ મોકલ્યો છે. બોર્ડે ખેલાડીઓને પોતાના રાજ્યની ટીમ તરફથી રણજી ટ્રોફીના આગલા રાઉન્ડમાં મેચ રમવા માટે કહ્યું છે.
ક્રિકબઝના અહેવાલ પ્રમાણે બીસીસીઆઈએ ખેલાડીઓને ચોખ્ખા શબ્દોમાં ચેતવણી જ આપી છે. બોર્ડે કહ્યું કે જે ખેલાડી નેશનલ ટીમ અને એનસીએ (નેશનલ ક્રિકેટ એકેડેમી)માં નથી તેણે રાજ્યની ટીમ સાથે રણજી ટ્રોફીમાં રમવું જ પડશે. રણજી ટ્રોફીનો આગલો રાઉન્ડ ૧૬ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે. તમામ ખેલાડીઓને આ રાઉન્ડમાં જો ફિટ હશે છતાં નહીં રમે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
આ ખેલાડીઓમાં કૃણાલ પંડ્યા, દીપક ચાહર, ઈશાન કિશન સહિતનાનો સમાવેશ થાય છે.કૃણાલ-દીપકે તો આઈપીએલની તૈયારી શરૂ કરી દીધી છે એટલા માટે તેણે હવે બધું છોડીને રણજી ટ્રોફીમાં રમવું જ પડશે. કૃણાલે ઘરેલું ક્રિકેટમાં લિમિટેડ ઓવરની ટૂર્નામેન્ટ રમી હતી પરંતુ રણજી ટ્રોફી માટે ઉપલબ્ધ રહ્યો ન્હોતો. બીજી બાજુ ચાહરે પારિવારિક કારણોસર ડિસેમ્બર-જાન્યુઆરીમાં બ્રેક લીધો હતો. હવે તે ફિટ હોવા છતાં રણજી ટ્રોફીમાં રમી રહ્યો નથી. એટલું જ નહીં શ્રેયસ અય્યર અને ઈશાન કિશને પણ ઘરેલું ક્રિકેટ રમવું પડશે.