ના કેચ, ના બોલ્ડ, અડધાથી વધુ ટીમ થઈ રનઆઉટ !!
ક્રિકેટમાં પહેલી વખત બનેલી ઘટના
વૉઈસ ઑફ ડે, નવીદિલ્હી
ક્રિકેટમાં વિકેટ પડતી રહે છે. એક બેટર અનેક પ્રકારે આઉટ પણ થાય છે. અનેક બેટરોના આઉટ થવાનો અજીબોગરીબ અંદાજ પણ જોવા મળ્યો છે. ત્યાં સુધી કે આખી ટીમને ઓછામાં ઓછા સ્કોરે સરન્ડર થતી પણ જોવાઈ છે પરંતુ અડધાથી વધુ ટીમ રનઆઉટ થઈ જાય એવું પહેલાં ક્યારેય જોવા મળ્યું નથી. જો કે ટી-૧૦ મેચમાં જ્યારે આવું બન્યું તો તે ક્રિકેટના ઈતિહાસમાં નોંધાઈ ગયું છે.
હવે જે ટીમના અડધાથી વધુ ખેલાડી રનઆઉટ થઈ જાય તેના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે ખેલાડીઓની વિકેટ વચ્ચેની દોડ કેવી હશે ? જો કે મજેદાર વાત એ છે કે અડધાથી વધુ ટીમ રનઆઉટ થઈ જતાં જીત મેળવી હતી !
યુરોપિયન ક્રિકેટ લીગમાં કૈટાલુનિયા રેડ અને સોહલ હૉસ્પિટલેટ વચ્ચે મુકાબલો રમાયો હતો. આ મુકાબલામાં કૈટાલુનિયા રેડે પહેલાં બેટિંગ કરતાં ૧૦ ઓવરમાં ૮૬ રન બનાવ્યા હતા. જવાબમાં ૮૭ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સોહલ હૉસ્પિટલેટે ૮ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. સોહલ હૉસ્પિટલેટના આઉટ થનારા ૮ બેટરોમાં ૬ બેટરો એવા રહ્યા જે રનઆઉટ થયા હતા. આ લોકોને રનઆઉટ થતાં જોઈને સ્પષ્ટ જોવા મળ્યું કે બેટરોમાં આંતરિક સંકલન જ નથી.