દ્રવિડ-લક્ષ્મણ નહીં રાજકોટના સીતાંશુ કોટક બન્યા ટીમ ઈન્ડિયાના કોચ
આજથી આફ્રિકા સામે શરૂ થનારી વન-ડે શ્રેણી માટે મળી જવાબદારી: બપોરે ૧:૩૦ વાગ્યાથી મુકાબલો શરૂ
ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. બન્ને દેશો વચ્ચે તાજેતરમાં જ ૩ મેચની રોમાંચક ટી-૨૦ શ્રેણી રમાઈ હતી જે ૧-૧થી ડ્રો રહી હતી. જ્યારે આજથી ભારત-આફ્રિકા વચ્ચે વન-ડે શ્રેણી રમાશે. આ શ્રેણીનો બીજો મુકાબલો ૧૯એ અને ત્રીજો મુકાબલો ૨૧ ડિસેમ્બરે રમાશે. આ પછી બે મેચની ટેસ્ટ શ્રેણી રમાશે જેનો પ્રારંભ ૨૬ ડિસેમ્બરથી થશે. રોહિતને વન-ડે શ્રેણીમાં આરામ અપાયો હોવાથી ટીમનું નેતૃત્વ રાહુલ કરશે. બીજી બાજુ હવે વન-ડે શ્રેણીમાં રાહુલ દ્રવિડ નહીં બલ્કે રાજકોટના સીતાંશુ કોટક કોચ તરીકે કાર્યરત રહેશે.
ભારતીય ટીમ મેનેજમેન્ટે નિર્ણય લીધો છે કે રાહુલ દ્રવિડ આફ્રિકા વિરુદ્ધ ૩ મેચની વન-ડે શ્રેણીમાં ટીમ સાથે હેડ કોચ તરીકે નહીં જોડાય. તે ટેસ્ટ શ્રેણી પહેલાં પ્રિટોરિયામાં રમાનારી ત્રણ દિવસીય મેચ પર નજર રાખશે જે ૨૨થી ૨૨ ડિસેમ્બર દરમિયાન રમાશે. પાછલા થોડા સમયથી રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં વીવીએસ લક્ષ્મણ હેડ કોચની ભૂમિકા ભજવી રહ્યા હતા પરંતુ આ વખતે તેમને પણ જવાબદારી સોંપાઈ નથી. દ્રવિડ-લક્ષ્મણની ગેરહાજરીમાં સૌરાષ્ટ્રના પૂર્વ દિગ્ગજ ખેલાડી સીતાંશુ કોટક હેડ કોચની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત અજય રાત્રા ફિલ્ડિંગ કોચ તરીકે અને રાજીવ દત્તા બોલિંગ કોચ બનશે.
મેચ પહેલાં જ ટીમને ફટકો: શમી-ચાહર બહાર
આજે આફ્રિકા સામે વન-ડે મુકાબલો રમાય તે પહેલાં જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર અને વર્લ્ડકપનો હિરો મોહમ્મદ શમી ઈજાને કારણે બહાર થઈ ગયો છે તો દીપક ચાહર પણ મેડિકલ ઈમરજન્સીને કારણે રમી શકે તેમ ન હોવાથી ટીમને બબ્બે ફાસ્ટ બોલરોની ખોટ પડશે.