દિલ્હી ટીમમાં વધુ એક ફાસ્ટ બોલરની એન્ટ્રી
એનરિક નોર્ત્ઝેની દરેક મેચમાં ધોલાઈ થતાં ટીમે ૫૦ લાખમાં વધુ એક બોલરને કર્યો સામેલ
મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ અંતિમ ઓવરમાં એનરિક નોર્ત્ઝેએ ૩૨ રન આપી દીધાના બીજા જ દિવસે દિલ્હી કેપિટલ્સે મોટો નિર્ણય લીધો છે. તેણે ઈંગ્લેન્ડના બેટર હૈરી બ્રુકની જગ્યાએ સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર લિજાદ વિલિયમ્સને ટીમમાં સામેલ કર્યો છે. ઈંગ્લેન્ડના હૈરી બ્રુકે વ્યક્તિગત કારણોસર આઈપીએલમાંથી નામ પરત ખેંચ્યું હતું. ૨૦૨૧માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યા બાદ વિલિયમ્સ બે ટેસ્ટ, ચાર વન-ડે અને ૧૧ ટી-૨૦ મેચ રમી ચૂક્યો છે. તેને ૫૦ લાખ રૂપિયાની મુળ કિંમતે દિલ્હી કેપિટલ્સે ટીમમાં સામેલ કર્યો છે. ૩૦ વર્ષીય લિજાદના ટીમમાં આવી જવાથી ફાસ્ટ બોલિંગ એટેક વધુ મજબૂત બનશે. ટીમમાં ઈશાંત શર્મા અને ખલીલ અહમદ પણ છે પરંતુ તેમનું પ્રદર્શન એટલું ખાસ રહ્યું નથી. વિલિયમ્સ ક્રિકેટ સાઉથ આફ્રિકા ટી-૨૦ ચેલેન્જમાં ટાઈટન્સ માટે ૯ મેચ રમ્યા બાદ ફોર્મમાં છે. તેણે આ વર્ષની ટૂર્નામેન્ટમાં સુપરકિંગ્સ માટે ૯ મેચમાં ૧૫ વિકેટ ખેડવી હતી.