દક્ષિણ આફ્રિકા પહેલીવાર ટી-૨૦ વર્લ્ડકપના ફાઈનલમાં
સેમિફાઈનલમાં અફઘાન માત્ર ૫૬ રન જ બનાવી શક્યું: માત્ર ૮.૫ ઓવરમાં લક્ષ્યાંક કર્યો હાંસલ
દક્ષિણ આફ્રિકા ટી-૨૦ વર્લ્ડકપના ફાઈનલમાં પહોંચી ગયું છે. તેણે સેમિફાઈનલમાં અફઘાનિસ્તાનને માત્ર ૫૬ રને આઉટ કરી આ મુકાબલો જીત્યો હતો. પોતાના બોલરોના આ શ્રેષ્ઠ પ્રદર્શનની મદદથી આફ્રિકા વર્લ્ડકપ ઈતિહાસનું પોતાનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં સફળ રહ્યું છે. આફ્રિકી બોલર્સ બાદ બેટર્સે પણ ઉમદા પ્રદર્શન કરતા માત્ર ૮.૫ ઓવરમાં એક વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
આફ્રિકાએ ટી-૨૦ વર્લ્ડકપના ફાઈનલમાં પહેલી વખત જગ્યા બનાવી છે. અગાઉ તે બે વખત ટી-૨૦ વર્લ્ડકપ (૨૦૦૯, ૨૦૧૪)ના સેમિફાઈનલમાં પહોંચ્યું હતું પરંતુ ફાઈનલમાં જગ્યા બનાવી શક્યું ન્હોતું. ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૦૯ના સેમિફાઈનલમાં પાકિસ્તાને આફ્રિકાને હરાવ્યું હતું જ્યારે ૨૦૧૪માં ભારતે તેને બહાર કર્યું હતું.
બીજી બાજુ ઑસ્ટે્રલિયા-ન્યુઝીલેન્ડ જેવી ટીમને હરાવીને સેમિફાઈનલમાં પહોંચેલા અફઘાનિસ્તાને આફ્રિકા સામેની મેચમાં ચાહકોને નિરાશ કર્યા હતા. ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલી અફઘાનની આખી ટીમ ૭૧ બોલમાં માત્ર ૫૬ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. અઝમતુલ્લાહ ઓમરઝઈએ ૧૦ રન બનાવ્યા હતા જે સૌથી વધુ હતા. આ સિવાય કોઈ બેટર બે આંકના સ્કોર સુધી પહોંચી શક્યો ન્હોતો. ઓપનર રહમાનુલ્લાહ ગુરબાઝ, મોહમ્મદ નબી અને નૂર અલી તો ખાતું પણ ખોલાવી શક્યા ન્હોતા. અફઘાને એકસ્ટ્રાના રૂપમાં ૧૩ રન મળ્યા હતા. બોલિંગમાં આફ્રિકા વતી માર્કો યાન્સેન-તબરેઝ શમ્સીએ ત્રણ-ત્રણ વિકેટ ખેડવી હતી. શમ્સીએ તો માત્ર ૧૧ બોલ ફેંક્યા જેમાં ત્રણ વિકેટ મેળવી હતી. યાન્સેને ૧૬ રન આપીને ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી.