બજેટમાં ઐતિહાસિક પગલાં આવશે, દેશભરમાં બુલેટ ટ્રેનનો વિચાર
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુંએ સંસદના સંયુક્ત સત્રને કર્યું સંબોધન
કટોકટીના દિવસે દેશભરમાં હાહાકાર મચ્યો હતો, વિપક્ષનો હંગામો: પેપર લિકના આરોપીઓને છોડાશે નહીં : અર્થતંત્ર મજબૂત બન્યું વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી : લોકોએ ત્રીજીવાર દેશ સેવાની તક આપી
સંસદના ખાસ સત્ર દરમિયાન ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંયુક્ત સત્રને પોતાના સંબોધનમાં મોદી સરકાર -3 ની પ્રથમિક્તાઓ અને ભવિષ્યના વિકાસની યોજનાઓની રૂપરેખા રજૂ કરી હતી. એમણે કહ્યું હતું કે આગામી કેન્દ્રીય બજેટમાં ઐતિહાસિક પગલાં જોવા મળશે. નીટ પેપર લીકનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે સરકાર કોઈ પણ આરોપીઓને છોડશે નહીં અને પરીક્ષાની પારદર્શિતા જાળવવા સરકાર પ્રતિબધ્ધ છે. એમણે એવી માહિતી પણ આપી હતી કે દેશભરમાં બુલેટ ટ્રેન સેવાનો વિચાર છે અને સરકાર આ માટે સર્વે કરાવશે.એમણે કહ્યું કે જનતાએ ત્રીજીવાર દેશસેવાની તક આપી છે. અમારી નીતિ અને નિષ્ઠા પર લોકોને ભરોસો છે.
સાથોસાથ 1975માં લાદવામાં આવેલી ઈમરજન્સીનો ઉલ્લેખ પણ કર્યો હતો અને તેને ‘બંધારણ પર સીધા હુમલાનો સૌથી મોટો અને કાળો અધ્યાય ‘ ગણાવ્યો હતો અને કહ્યું કે આવા અનેક હુમલાઓ છતાં દેશે ગેરબંધારણીય શક્તિઓ પર વિજય દર્શાવ્યો છે. 25 જૂન 1975 ના દિવસે દેશમાં હાહાકાર મચી ગયો હતો. આ તકે વિપક્ષ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો.
વિપક્ષોએ આ સમયે નીટ યુજી પેપર લીકને લઈને ટોકટોક કરવાનું શરૂ કર્યું. પછી રાષ્ટ્રપતિએ પણ થોડી ક્ષણો માટે તેમનું ભાષણ અટકાવ્યું અને કહ્યું, સાંભળો… સાંભળો. ત્યારબાદ તેમણે આગળ કહ્યું કે તેમની સરકાર આવી કોઈપણ અનિયમિતતાને સ્વીકારશે નહીં. કોઈપણ પરીક્ષામાં નિષ્પક્ષતા અને પારદર્શિતા જરૂરી છે. જો કોઈ દોષિત ઠરશે તો તેને કોઈપણ ભોગે બક્ષવામાં આવશે નહીં.
તેમણે કહ્યું કે આ પહેલા તમે જોયું હશે કે ઘણા રાજ્યોમાં પેપર લીકની ઘટનાઓ પણ બની હતી. આવી સ્થિતિમાં દેશભરમાં પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને નક્કર પગલાં લેવાની જરૂર છે. સંસદે પણ પરીક્ષાઓમાં ગેરરીતિઓ સામે કડક કાયદો બનાવ્યો છે. તેમની સરકાર પરીક્ષા સંબંધિત સંસ્થાઓ અને તેમની કાર્યપદ્ધતિ, પરીક્ષા પ્રક્રિયા… બધું સુધારવા માટે ઘણું કામ કરી રહી છે.
અર્થતંત્ર આગળ વધ્યું
એમણે સરકારની કામગીરીનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે દેશનું અર્થતંત્ર આગળ વધ્યું છે અને 10 વર્ષમાં મોદી સરકારે દેશના અર્થતંત્રને અગ્ર હરોળમાં મૂકી દીધું છે. આવનારી સદી પણ ભારતની જ છે. એમણે એવી જાહેરાત કરી હતી કે 70 વર્ષથી વધુની વયના લોકોની આયુષમાન યોજના હેઠળ સારવાર થશે.
આ ભારતની સદી છે
પોતાના સંબોધનને આગળ વધારતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ‘આ સદી ભારતની સદી છે અને તેનો પ્રભાવ આવનારા એક હજાર વર્ષ સુધી રહેશે.’ આ ઉપરાંત દેશમાં તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓ દરમિયાન કાશ્મીરમાં મતદાનમાં ઘણા રેકોર્ડ તૂટ્યા હોવાનો નિર્દેશ કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ‘આ ચૂંટણીઓ દ્વારા ઘાટીએ દેશના દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો છે.’વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે અને વૈશ્વિક સમસ્યાઓના સમાધનમાં ભારત ભૂમિકા ભજવી રહ્યો છે.
સીએએનો કર્યો ઉલ્લેખ
દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે ‘હું સીએએ હેઠળ નાગરિકતા મેળવનારા પરિવારો માટે સારા ભવિષ્યની કામના કરું છું.’ આ ઉપરાંત રાષ્ટ્રપતિએ કહ્યું કે ‘ભારતના લોકોએ હંમેશા લોકશાહીમાં અને ચૂંટણી સંબંધિત સંસ્થાઓમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.’
ઉત્તર-પૂર્વમાં કાયમી શાંતિ માટે કામ
સરકાર ઉત્તર-પૂર્વમાં કાયમી શાંતિ માટે કામ કરી રહી છે. છેલ્લા 10 વર્ષમાં ઘણી જૂની સમસ્યાઓ હલ થઈ છે. આ ઉપરાંત સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં ઘણા પગલાં લીધા છે. કેન્દ્ર સરકારની ગ્રુપ સી અને ગ્રુપ ડીની નોકરીઓ માટેના ઈન્ટરવ્યુ નાબૂદ કરવામાં આવ્યા હતા.