ટેસ્ટ-રણજી રમનાર IPLની જેમ જ `રાજી’ રહે તેવી ગોઠવણમાં બોર્ડ
ખેલાડીઓની ફીમાં ત્રણ ગણો વધારો કરવાની તૈયારી
ભારતીય ક્રિકેટમાં હવે ક્રાંતિકારી ફેરફાર થવા જઈ રહ્યો છે. ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રીત કરનારા ક્રિકેટરોના દિવસો બદલાવાના છે. બીસીસીઆઈ રેડ બોલ ફોર્મેટ રમનારા ખેલાડી પર છપ્પર ફાડીને પૈસા વરસાવશે ! રણજી ટ્રોફીની ગુણવત્તામાં ઘણો ઘટાડો આવ્યો છે. અનેક ખેલાડીઓ ઈજા અને વર્કલોડ મેનેજમેન્ટનું બહાનુ કાઢીને રમી રહ્યા નથી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટેસ્ટ મેચ અને પ્રથમ શ્રેણી મેચ રમનારા ખેલાડીઓની ફી ત્રણ ગણી કરવામાં આવી શકે છે જે પછી રણજી ટ્રોફી રમનારા ખેલાડીને અંદાજે ૭૫ લાખ મળશે. આ જ રીતે એક વર્ષમાં ભારત માટે તમામ ટેસ્ટ રમનારા ખેલાડીને ૧૫ કરોડ સુધીનો પગાર મળી શકે છે જે એક શાનદાર આઈપીએલ કોન્ટ્રાક્ટ બરાબર છે. અત્યારે એક ખેલાડી રણજીની એક સીઝનની દસેય મેચ રમે એટલે ૨૫ લાખ રૂપિયા મળે છે જેની સામે આઈપીએલમાં ખેલાડીની કિંમત ૨૦ લાખથી તો શરૂ થાય છે ! એવું પણ ધ્યાન પર આવ્યું છે કે ફાસ્ટ બોલર આઈપીએલ ઑક્શનમાં મુળ કિંમત બરાબર કમાણી કરવા માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમીને ઈજાગ્રસ્ત થવા માંગતા નથી.
આમ તો ભારતીય ક્રિકેટ બોર્ડ તાત્કાલિક પગારમાં ત્રણ ગણો વધારો કરવા માટે સહમત થઈ શકે તેમ નથી પરંતુ જો દોઢ ગણો વધારો થશે તો પણ ખેલાડીઓ માટે એક મોટો વધારો ગણાશે. એટલા માટે જ બોર્ડે અત્યાર સુધી કરારના મૂલ્યની જાહેરાત કરી નથી.